ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર
અમેરિકા સહિતના દેશોએ કોરોના બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું છે. ભારત સરકાર પણ ત્રીજા ડોઝની તૈયારી કરી રહી છે. એવામાં સમાચાર મળ્યા છે કે સરકાર ગંભીર બીમારીથી પીડિત લોકોને બૂસ્ટર ડોઝની મંજૂરી આપવાનું વિચારી રહી છે. ચાલુ મહિને યોજાનારી નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઇઝેશન (NTAGI)ની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. આ બેઠકમાં ગંભીર રીતે બીમાર બાળકોના રસીકરણ અંગે પણ વિચારણા થઈ શકે છે.
રાજ્યોમાં પૂરતી એન્ટિ-કોરોના રસી ઉપલબ્ધ હોવા છતાં રસીકરણની ગતિ વધી રહી નથી. આ અંગે મીડિયાને માહિતી આપતા આરોગ્ય મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે રાજ્યો પાસે લગભગ 22 કરોડ ડોઝ છે અને વેક્સિન બનાવતી કંપનીઓ દરરોજ લગભગ એક કરોડ ડોઝ સપ્લાય કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને મોટા પાયા પર રસીની નિકાસ કરવાની સાથે સરકાર ગંભીર રીતે બીમાર બાળકો અને મોટી વયના લોકો માટે રસીકરણ અભિયાન ચલાવવાનું પણ વિચારી રહી છે.
NTAGI અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં ઘણા નિષ્ણાતોની રજૂઆત પ્રાપ્ત થઈ છે. ચાલુ મહિનાના અંતમાં યોજાનારી બેઠકમાં આ વિશે નિર્ણય લેવામાં આવી શકે છે. કહેવાઇ રહ્યું છે કે NTAGIની સલાહ અનુસાર સરકાર નિર્ણય લેશે.
નિષ્ણાતો કહે છે કે કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત લોકોના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને રસી લેવા છતાં આવા લોકોના શરીરમાં પૂરતી એન્ટિબોડીઝ નથી બનતી. આવા મોટાભાગના લોકોએ કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવ્યો છે. ત્રીજી લહેરની સ્થિતિમાં પણ આવા લોકોને સૌથી વધુ અસર થવાની ધારણા છે. એ જ રીતે ગંભીર રીતે બીમાર બાળકો પણ કોરોનાની બીજી લહેરમાં ખૂબ પ્રભાવિત થયા હતા.