ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ઓક્ટોબર 2020
શિયાળા દરમિયાન કોરોનાવાયરસના ચેપમાં વધારો થવાની ચેતવણી આપતા આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનએ કહ્યું કે સરકાર ભારતમાં કોવિડ રસીની કટોકટી દરમ્યાન ઉપયોગની અધિકૃતતા અંગે વિચારણા કરી રહી છે. અમારો લક્ષ્યાંક જુલાઈ 2021 સુધી 40 થી 50 કરોડ વેક્સીન મેળવવાનો અને તેને 25 કરોડ લોકો માટે ઉપયોગ કરવાનો છે. અમારી સરકાર આ માટે દિવસ રાત કામ કરી રહી છે, સરકાર આ વેક્સીન તૈયાર થયા બાદ યોગ્ય રીતે વિતરણ કરી શકાય તે માટે કામ કરી રહી છે. અમારી પ્રાથમિકતા છે કે દેશના તમામ લોકો સુધી વેક્સીન પહોંચાડી શકાય. આ તમામ નિર્ણય ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટની જોગવાઈ હેઠળના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવશે.
ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, તમારા બધાનું રક્ષણ કરવું એ મારૂં કર્તવ્ય છે. કોઈપણ ધર્મમાં કોઈપણ ભગવાન કે આચાર્ય એમ નથી કહેતા કે લોકોના જીવ જોખમમાં નાંખીને તહેવારોની ઊજવણી કરવી જોઈએ. કોઈપણ ભગવાન એમ નથી કહેતા કે તેમની પૂજા માટે તમારે મોટા-મોટા પૂજા પંડાલોમાં જવું જોઈએ. પોતાનો વિશ્વાસ સાબિત કરવા માટે મોટી સંખ્યામાં એકત્રીત થવાની જરૂર નથી. કારણકે હાલ કોરોન જેવી મહામારી થી બચવું વધુ જરૂરી છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એવામાં કેટલાક અહેવાલો સામે આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઠંડીની મોસમમાં કોરોના વાયરસના કેસમાં વધારો આવી શકે છે. આ આશંકાઓ પર હર્ષવર્ધને કહ્યું કે ભારતમાં આવી આશંકાઓને નકારી શકાય નહીં.