ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
3 જુન 2020
સુપ્રીમ કોર્ટે બંધારણમાંથી ઇન્ડિયા શબ્દ હટાવવાની માંગ કરતી અરજી મુદ્દે દખલ આપવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટનું કહેવું છે કે અરજીને સરકાર પાસે રિપ્રેઝન્ટેશન તરીકે માની શકાય અને કેન્દ્રને મેમોરેન્ડમ આપી શકાય. મામલાની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એસએ બોબડેની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે અમે આમ ન કરી શકીએ, કારણ કે પહેલાથી જ બંધારણમાં ભારત નામ કહેવામાં આવ્યું છે. જોકે અરજદારે દલિલ કરી હતી કે, બંધારણના અનુચ્છેદ 1માં સંશોધન કરીને ઈન્ડિયા શબ્દ દૂર કરવામાં આવે. અનુચ્છેદ 1માં ભારત અર્થાત ઈન્ડિયા રાજ્યોનો સંઘ હશે તેમ કહેવાયું છે. તેના બદલે સંશોધન કરીને ઈન્ડિયા શબ્દ દૂર કરી તેના સ્થાને ભારત કે હિંદુસ્તાન કરવા માંગ છે. દેશને મૂળ અને પ્રમાણિક નામ ભારતથી જ માન્યતા આપવી જોઇએ. કારણ કે અરજીકર્તાના કહેવા પ્રમાણે ઈન્ડિયા શબ્દ ગુલામીની નિશાની છે અને આ કારણે જ તેના સ્થાને ભારત કે હિંદુસ્તાન શબ્દનો ઉપયોગ થવો જોઈએ..