ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
એક તરફ ભારત સહિત સમગ્ર વિશ્વમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે તણાવનું વાતાવરણ નિર્માણ થઈ ગયું છે. વિશ્વના તમામ દેશોના અર્થતંત્રને આ યુદ્ધને કારણે ભારે ભાર ફટકો પડવાની સંભાવના છે, ભારત પણ તેમાંથી બાકત નથી. જોકે એ વચ્ચે ભારતને આ યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઘઉંની નિકાસ વધારવાની તક મળી શકે છે અને તેનો ભારતીય વેપારીઓએ ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ એવો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે.
નિકાસ સાથે જોડાયેલા વેપારીઓના મતે ભારતના સેન્ટ્રલ પુલમાં 2.42 કરોડ ટન અનાજનો જથ્થો પડેલો છે. જે બફર અને કોઈ પણ ઈમરજન્સી જરૂરિયાત કરતા બમણો છે.
વિશ્ર્વમાં હાલ ઘઉંની નિકાસમાં રશિયા સૌથી અગ્રેસર છે. વિશ્વની કુલ નિકાસમાં રશિયાનો ફાળો 18 ટકાથી વધુ છે. વર્ષ 2019માં રશિયા અને યુક્રેને સાથે મળીને વૈશ્ર્વિક સ્તરે કુલ 25 ટકા ઘઉંની નિકાસ કરી હતી.
ઈજિપ્ત, તુર્કી અને બાંગ્લાદેશ જેવા દેશોએ રશિયા પાસેથી અડધાથી વધુ ઘઉં ખરીદે છે. ઈજિપ્ત દુનિયામાં ધઉંનો સૌથી મોટો આયાતકાર દેશ છે. તે પોતાની 10 કરોડની વસ્તી માટે દર વર્ષે ઘઉંની આયાત પાછળ લગભગ ચાર અબજ ડોલરથી વધુ રકમ ખર્ચે છે.
રશિયા અને યુક્રેન ઈજિપ્તની આયાતી ઘઉંની 70 ટકાથી વધારે માગ સંતોષે છે. તુર્કી પણ રશિયા અને યુક્રેનમાંથી ઘઉંની આયાત પાછળ જંગી રકમ ખર્ચે છે. આ બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે હાલ પૂરતું આ દેશોમાથી થનારી નિકાસને મોટા પ્રમાણમાં અસર થઈ શકે છે. તેથી આ તકનો ભારતીય વેપારીઓએ ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ એવું નિષ્ણાતોનું માનવું છે.