ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર, 2021
ગુરુવાર
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. રસીકરણમાં ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરવું અને તહેવારોની મોસમ દરમિયાન વધતી માંગ દેશના અર્થતંત્રને પુનર્જીવિત કરશે. વધુમાં તે રોજગારીની વિશાળ તકો ઉભી કરશે. આત્મનિર્ભર ભારત અભિયાન સહિત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા મુખ્ય માળખાકીય સુધારાઓએ દેશની આર્થિક પુનઃપ્રાપ્તિને આકાર આપવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હોવાની વાત કેન્દ્રીય નાણા મંત્રાલયના ઓક્ટોબરના આર્થિક સમીક્ષા અહેવાલમાં જણાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતની નિકાસ કામગીરી નજીકના ભવિષ્યમાં વધુ સુધરવાની અપેક્ષા છે. આનાથી ભારત આગામી થોડા વર્ષોમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક બની જશે.
અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે જરૂરી નીતિગત સુધારાઓએ ભારતના રોકાણ ચક્રને પુનર્જીવિત કર્યું છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રોકાણ પ્રોત્સાહનો, પુરવઠા શૃંખલાને મજબૂત કરવા માટે જરૂરી પગલાં, ઉદ્યોગો માટે વ્યાપારી વાતાવરણ અને નિયમોની સુલભતા અને ઉત્પાદન યોજના માટે પ્રોત્સાહનો જેવા તમામ વ્યૂહાત્મક સુધારાઓ દ્વારા ઉત્પાદન ક્ષેત્રને વેગ મળ્યો છે. તદુપરાંત, કોરોના કાળ દરમિયાન માલસામાન અને સેવાઓની ઘટેલી માગ ફરીથી વધી રહી છે. ઉપરાંત, નીચા વ્યાજ દરો અને પર્યાપ્ત રોકડ પ્રવાહિતાએ માગને વધારવામાં મદદ કરી છે તેવું નાણા મંત્રાલયના અહેવાલમાં જાણવા મળ્યું છે.