News Continuous Bureau | Mumbai
Global Cybersecurity Index 2024: ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (આઇટીયુ) દ્વારા પ્રકાશિત ગ્લોબલ સાયબર સિક્યોરિટી ઇન્ડેક્સ (જીસીઆઇ) 2024માં ભારતે ટોચનું ટાયર એટલે કે ટાયર 1 દરજ્જો હાંસલ કરીને સાયબર સુરક્ષા પ્રયાસોમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. 100માંથી 98.49ના નોંધપાત્ર સ્કોર સાથે ભારત ‘રોલ-મોડલિંગ’ દેશોની હરોળમાં સામેલ થઈ ગયું છે, જે સમગ્ર વિશ્વમાં સાયબર સુરક્ષાની પદ્ધતિઓ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ગ્લોબલ સાયબર સિક્યુરિટી ( Cyber security ) ઇન્ડેક્સ (જીસીઆઈ) 2024 માં ભારતનું પ્રતિનિધિત્વ કરતી નોડલ એજન્સી તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી. સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ આ સિદ્ધિને ભારત માટે ગૌરવશાળી ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, “આ ઉત્કૃષ્ટ સિદ્ધિ સાયબર સુરક્ષા પ્રત્યેની અમારી અતૂટ કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને ભારતનાં ટેલિકોમ ક્ષેત્રની નોંધપાત્ર વૃદ્ધિ પર પ્રકાશ ફેંકે છે.”
જીસીઆઈ 2024 એ પાંચ આધારસ્તંભો પર આધારિત રાષ્ટ્રીય પ્રયત્નોનું મૂલ્યાંકન કર્યું હતું: કાનૂની, તકનીકી, સંગઠનાત્મક, ક્ષમતા વિકાસ અને સહકાર. વિસ્તૃત પ્રશ્નાવલીમાં 83 પ્રશ્નોનો સમાવેશ થાય છે, જેમાં 20 સૂચકાંકો, 64 પેટા-સૂચકાંકો અને 28 સૂક્ષ્મ સૂચકાંકોને આવરી લેવામાં આવ્યા છે, જે દરેક દેશના સાયબર સુરક્ષા લેન્ડસ્કેપનું સંપૂર્ણ મૂલ્યાંકન સુનિશ્ચિત કરે છે.
સાયબર સુરક્ષામાં ભારતનું મજબૂત પ્રદર્શન ભારત સરકાર દ્વારા સાયબર સ્થિતિસ્થાપકતા વધારવા અને સાયબર ક્રાઇમ ( Cybercrime ) કાયદા અને સાયબર સુરક્ષા ધોરણો માટે મજબૂત માળખું સ્થાપિત કરવા હાથ ધરવામાં આવેલી શ્રેણીબદ્ધ પહેલો અને પગલાંથી પ્રેરિત છે. દેશની કાનૂની સંસ્થાઓ સાયબર સુરક્ષા પડકારોનો સામનો કરવા અને સાયબર ક્રાઇમનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે, જે તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ( Digital infrastructure ) રક્ષણ સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત સેક્ટરલ કમ્પ્યુટર ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટીમ્સ (સીએસઆઇઆરટી) ક્ષેત્ર-વિશિષ્ટ ટેકનિકલ સપોર્ટ અને ઇન્સિડન્ટ રિપોર્ટિંગ પ્રદાન કરે છે, જે ભારતની સાયબર સુરક્ષા ક્ષમતાઓને વધારે મજબૂત બનાવે છે.
આ સમાચાર પણ વાંચો : Gram Sadak Yojana: ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ જિલ્લાના રૂ.૧૯ કરોડના ૮ રસ્તાના કામોને આપી મંજૂરી.
ભારતની સાયબર સુરક્ષા વ્યૂહરચનામાં શિક્ષણ અને જાગૃતિ કેન્દ્રિય રહી છે. લક્ષિત ઝુંબેશ અને શૈક્ષણિક પહેલોએ ખાનગી ઉદ્યોગ, જાહેર સંસ્થાઓ, નાગરિક સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓ સહિતના તમામ ક્ષેત્રોમાં સુરક્ષિત ઓનલાઇન પદ્ધતિઓને પ્રોત્સાહન આપ્યું છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અભ્યાસક્રમમાં સાયબર સુરક્ષાનું સંકલન જાણકાર અને સારી રીતે તૈયાર ડિજિટલ નાગરિકતા કેળવવા માટેના દેશના સમર્પણને વધુ રેખાંકિત કરે છે.
તદુપરાંત, પ્રોત્સાહનો અને અનુદાનોએ કૌશલ્ય વિકાસને વેગ આપ્યો છે અને ભારતના સાયબર સુરક્ષા ઉદ્યોગમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપ્યું છે. દ્વિપક્ષીય અને બહુપક્ષીય સમજૂતીઓની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય જોડાણોએ ભારતના ક્ષમતા નિર્માણ અને માહિતીની આપ-લેના પ્રયાસોને વધુ મજબૂત કર્યા છે, જે સાયબર સુરક્ષામાં વૈશ્વિક નેતા તરીકેની તેની ભૂમિકાને મજબૂત બનાવે છે.
જીસીઆઈ 2024માં ( GCI 2024 ) ભારતની ટાયર 1માં છલાંગ એ દેશની ઉન્નત સાયબર સુરક્ષા પ્રતિબદ્ધતાઓનો સ્પષ્ટ સૂચક છે. આ સિદ્ધિ ભારત સરકારનાં ડિજિટલ ક્ષેત્રને સુરક્ષિત કરવાનાં સમર્પણને જ પ્રતિબિંબિત કરતી નથી, પણ અન્ય દેશો માટે પણ એક માપદંડ સ્થાપિત કરે છે. ડીઓટી વૈશ્વિક મંચ પર તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત કરવાના ભારતના પ્રયત્નોને આગળ ધપાવી રહ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.