ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે ૨૦૨૧
મંગળવાર
ભારતમાં છેલ્લા થોડાક દિવસથી કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં આંશિક રીતે ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગયા બે દિવસમાં આ આંકડો ત્રણ લાખથી નીચે રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૨.૫ કરોડ કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે. અમેરિકામાં કુલ કેસનો આંકડો 3.૩૭ કરોડને પાર કરી ગયો છે. આ ક્રમમાં ત્રીજા સ્થાને બ્રાઝિલ છે, જ્યાં ૧.૫૬ કરોડ કોરોનાના કુલ કેસ નોંધાયા છે.
ભારતમાં છેલ્લા ૧૪ દિવસમાં ૫૦ લાખ કોરોના કેસ વધ્યા છે. એ જ સમયે જ્યારે ભારત બે કરોડ કુલ કોરોના કેસનો આંકડો આંબી ગયું હતું, ત્યારે ૧૫ દિવસમાં ૫૦ લાખ કેસ વધી ગયા હતા. અગાઉ, જ્યારે ભારતના કુલ કોરોના કેસ એક કરોડથી વધીને ૧.૫ કરોડ થઈ ગયા હતા, ત્યારે તેને ૧૨૧ દિવસનો સમય લાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨.૬ લાખ નવા કેસ અને ૩,૭૧૯ વધુ મૃત્યુ નોંધાયાં છે. રાજ્ય પ્રમાણે જોઈએ તો ગઈકાલે કર્ણાટકમાં ૩૮ હજાર, તામિલનાડુમાં ૩૩ હજાર અને મહારષ્ટ્રમાં ૨૬ હજાર કેસ નોંધાયા હતા. કોરોનાના સક્રિય કેસ પણ ૧.૫ લાખથી ઘટી ગયા છે.