ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 નવેમ્બર 2020
પૂર્વ લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજી પણ તણાવ ચાલી રહ્યો છે. જેના પર ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનુ કહેવુ છે કે, પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ હજી પણ તણાવગ્રસ્ત છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતે એક ઓનલાઈન સેમિનારને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, એલએસી પર હજી પણ માહોલ તણાવપૂર્ણ છે પણ ભારતનુ વલણ બિલકુલ સ્પષ્ટ છે. પૂર્વ લદ્દાખમાં ભારતીય સેનાના આકરા અને શક્તિશાળી પ્રત્યાઘાતોના કારણે ચીનની સેનાને અણધાર્યા પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. ભારત બહુ સ્પષ્ટ રીતે કહી ચુક્યુ છે કે, લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલમાં કોઈ પ્રકારનો બદલાવ સ્વીકાર્ય નથી. સીમા પર થતા સંઘર્ષ અને ઘૂસણખોરીને મોટા ગજગ્રાહમાં બદલાતા વાર નથી લાગતી.એટલે ભારતીય સેના અત્યંત સતર્ક છે.
આગળ તેમણે કહ્યુ હતુ કે, પરમાણુ શસ્ત્રોથી સંપન્ન પડોશી દેશો ચીન અને પાકિસ્તાનની સાથે સતત ટકરાવના કારણે ભારતીય ઉપખંડમાં અસ્થિરતા વધવાનો પણ ખતરો છે. પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં સતત ભારત સાથે પડદા પાછળથી યુદ્ધ ચલાવી રહ્યુ છે અને તેના કારણે બંને દેશના સબંધ વધુ ખરાબ થઇ ગયા છે. જોકે ભારતે બાલાકોટ અને ઉરી સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાનને કડક સંદેશ આપી દીધો છે કે ભારત આતંકવાદનો સખ્તીથી સામનો કરવા માટે સજ્જ છે.
ઉલ્લેખનીય છે કે ભારત-ચીન સીમા વિવાદના કારણે લદ્દાખમાં આવેલ ટોચના પર્વતો પર સેનાના જવાનોની તૈનાતી હજી પણ યથાવત્ છે. આ તણાવને ઘટાડવા માટે બંને દેશના કોર-કમાંડરો વચ્ચે બેઠક ચાલી રહી છે. આજે ચુશૂલમાં કોર કમાંડર સ્તરની આઠમાં તબક્કાની વાતચીત થઇ રહી છે. આ બેઠકમાં સીમા વિવાદ પર સમાધાન પર ચર્ચા થઇ રહી છે.