News Continuous Bureau | Mumbai
ભૂકંપગ્રસ્ત તુર્કીમાં રાહત સામગ્રી લઈને જઈ રહેલા ભારતીય વિમાનને પાકિસ્તાને એરસ્પેસ ન આપી, જેના કારણે તેણે કેટલાય ચક્કર લઈને બીજા રૂટથી તુર્કીમાં ઉતરવું પડ્યું. પાકિસ્તાનના આ કૃત્યથી સમગ્ર વિશ્વમાં તેની છબી વધુ ખરાબ થઈ છે. સાથે જ તુર્કીએ ભારતની મદદની પ્રશંસા કરી છે અને ભારતને સાચો મિત્ર ગણાવ્યો છે. ભારતમાં તુર્કીના રાજદૂત ફિરત સુનેલે ભારત સરકાર વતી આ મદદ માટે આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જે મિત્ર જરૂરિયાતમાં કામ આવે તે સાચો મિત્ર છે.
ફિરત સુનેલે ટ્વિટર પર લખ્યું, ‘મિત્ર તુર્કી અને હિન્દીમાં એક સામાન્ય શબ્દ છે… અમારી પાસે એક તુર્કી કહેવત છે: જરૂરિયાતમાં કામ આવે એ જ સાચો મિત્ર હોય છે. તમારો ખૂબ ખૂબ આભાર.’ અગાઉ સોમવારે, કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી (MoS) વી મુરલીધરને તુર્કી દૂતાવાસની મુલાકાત લીધી અને શોક વ્યક્ત કર્યો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પણ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા એક બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો કે NDRF, તબીબી ટીમો અને રાહત સામગ્રી સાથે બચાવ ટીમોને તાત્કાલિક તુર્કી મોકલવામાં આવશે. PMOએ એક નિવેદનમાં જણાવ્યું કે, NDRFની બે ટીમો, ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓને રાહત અને બચાવ કાર્ય માટે તુર્કી મોકલવામાં આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : અમદાવાદ- કાશ્મીરની વેલીનો અહેસાસ કરાવતી આજથી ફ્લાવરવેલી ખૂલ્લી મૂકવામાં આવી
જણાવી દઈએ કે ભૂકંપથી પ્રભાવિત તુર્કીના રાહત અને બચાવ કાર્યમાં મદદ કરવા માટે NDRFની ટીમ મંગળવારે તુર્કી પહોંચી છે. તુર્કીમાં 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના કારણે 4500થી વધુ લોકોના મોત થયા છે. દિલ્હીની નજીક સ્થિત ગાઝિયાબાદ અને કોલકાતાની બે ટીમોના કુલ 101 કર્મચારીઓને સાધનો સાથે ભારતીય વાયુ સેના જી-17 વિમાનમાં તુર્કી મોકલવામાં આવ્યા હતા. ભૂકંપગ્રસ્ત તુર્કી અને પડોશી પ્રદેશો માટે સોમવારે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત (HADR) પ્રયાસોનો આ એક ભાગ છે. ટીમો કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવામાં મદદ કરશે અને સ્થાનિક અધિકારીઓને તમામ શક્ય સહાય પૂરી પાડશે.