ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર, 2021
શનિવાર
કૃષિ કાયદા વિરુદ્ધ શરૂ થયેલા ખેડૂતોના આંદોલનને એક વર્ષ પૂર્ણ થયું છે. આમ તો વડાપ્રધાને ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી એટલે ખેડૂત આંદોલન પાછું ખેંચાઇ જવું જોઇતું હતું પણ એવું થયું નથી. હવે ખેડૂતોની અન્ય માગણીઓ પણ સંતોષવામાં આવે એવી શરત આંદોલોનકારીઓ દ્વારા મુકવામાં આવી છે.
આંદોલનકારીઓ દ્વારા ટેકાના ભાવ અંગે કાયદો લાવવામાં આવે, વીજ કાયદામાં સુધારો પડતો મૂકવામાં આવે, ખેડૂતો સામેના કેસ પાછા ખેંચવામાં આવે અને આંદોલન દરમિયાન જે 750 ખેડૂતોના મોત નિપજ્યાં છે તે તમામને સહાય આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
સાવધાન, મહારાષ્ટ્રમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોમાં આ ગંભીર બીમારીનું પ્રમાણ વધારે. જાણો વિગત
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આ આંદોલનને હાલ સમાપ્ત કરવાનો કે પાછું લેવાનો કોઇ જ પ્લાન નથી. ટેકાના ભાવ માટે કાયદો ઘડવો જરૂરી છે અને સરકાર આ માંગ ન સ્વીકારે ત્યાં સુધી આંદોલન પરત નહીં લઈએ. સાથે જ તેમણે 10 દિવસ માટે ખેડૂતોને તૈયાર રહેવાનું આહવાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કર્યા પછી સરકાર દ્વારા ખેડૂતો સાથે કોઇ ચર્ચા કરવામાં આવી નથી. ખેડૂતો ઇચ્છી રહ્યા છે કે સરકાર તેમની સાથે બેસીને વાટાઘાટો કરે. પણ એક વર્ષથી સરકાર વાટાઘાટો કરવાના મૂડમાં કયારેય નથી રહી. આંદોલનની શરૂઆતમાં જયારે પણ સરકારે ખેડૂતોને વાટાઘાટ ટેબલ પર બોલાવ્યા ત્યારે પૂર્વ શરતો જ મૂકી હતી.