ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
11 મે 2020
ભારતીય રેલવેએ મંગળવારથી વિશેષ ટ્રેનો તરીકે પેસેન્જર ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. રેલવે શરૂઆતમાં 15 રૂટ પર ટ્રેન દોડાવશે. ટ્રેનોનું બૂકિંગ સોમવાર સાંજે 4.00 વાગ્યે શરૂ થશે. આ ટ્રેનોનું બૂકિંગ આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી થઈ શકશે. ટ્રેનના બધા જ કોચ એસી હશે તેમજ રૂટ પરના સ્ટોપ પણ મર્યાદિત હહે જોકે આ વિશેષ ટ્રેનમાં પ્રવાસ માટે રાજધાની જેટલું ભાડું ચૂકવવું પડશે. કોરોના વાઈરસના કારણે રેલવેએ મહત્વપૂર્ણ પગલું ભરતાં દેશમાં 25 મી માર્ચે લૉકડાઉન અમલમાં આવ્યું તે પહેલાં જ 22 મી માર્ચે અડધી રાતથી જ પેસેન્જર ટ્રેનો બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. જોકે, પાછળથી લૉકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીય કામદારોને વતન લઈ જવા માટે રેલવેએ શ્રમિક વિશેષ ટ્રેનો શરૂ કરી હતી. તમામ વિશેષ ટ્રેન નવી દિલ્હીથી શરૂ થશે. કન્ફર્મ ટિકિટ હશે તેને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે અને પ્રવાસીએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. ઉધરસ, શરદી અને તાવવાળાને પ્રવાસની મંજૂરી નહીં અપાય. વધુમાં રેલવે દ્વારા ૧૮મી મેથી ટ્રેનના રૂટ વધારવામાં આવે તેવી પણ સંભાવના છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ ટ્રેનો દિબુ્રગઢ, અગરતલા, હાવરા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગ્લુરુ, ચેન્નઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને નવી દિલ્હી સાથે જોડતી વિશેષ ટ્રેનો રૂપે ચલાવાશે. જોકે, આ ટ્રેનોના સંચાલનમાં રેલવેને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. રેલવે સ્ટેશનો પરના કોઈપણ બૂકિંગ કાઉન્ટર ખોલવામાં આવશે નહીં તેમજ પ્લેટફોર્મ ટિકિટ પણ મળશે નહીં, માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા પ્રવાસીઓને જ રેલવે સ્ટેશનોમાં પ્રવેશ અપાશે. વધુમાં ટ્રેન રવાના થાય તે સમયે પ્રવાસીઓએ સ્ક્રિનિંગમાંથી પસાર થવું પડશે અને માત્ર કોરોનાના લક્ષણ ન હોય તેવા જ પ્રવાસીઓને ટ્રેનમાં જવાની મંજૂરી અપાશે. ભારતીય રેલવે કોરોના વાઈરસ કેર સેન્ટર્સ માટે 20,000 જેટલા કોચને અનામત રાખ્યા પછી ઉપલબ્ધ કોચના આધારે નવા માર્ગો પર વધુ વિશેષ સેવાઓ શરૂ કરશે. આ સિવાય રેલવે વધારાની શ્રમિક વિશેષ ટ્રેન તરીકે 300 ટ્રેનના સંચાલન માટે પણ અલગથી કોચ ફાળવશે..