ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 માર્ચ 2021
જો તમારૂ વાહન જૂનુ થઈ ગયુ છે અને તમે નવી વાહન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જાહેરાત કરી છે કે સ્ક્રેપિંગ પોલિસીના આધારે હવે તમે જૂના વાહનને સ્ક્રેપ કરાવ્યા બાદ જો તમે નવું વાહન ખરીદો છો તો તમને નવા વાહન પર 5 ટકાની છૂટ મળશે.
ગડકરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “જુના વાહનોને છીનવાને બદલે ઓટોમોબાઈલ કંપનીઓ ગ્રાહકોને નવા વાહનોની ખરીદી પર લગભગ પાંચ ટકાની છૂટ આપશે. 2021-22ના કેન્દ્રીય બજેટમાં વાહનોના સ્વૈચ્છિક સ્ક્રેપ પોલિસીની ઘોષણા કરવામાં આવી છે. સ્ક્રેપિંગ પોલિસી વિવિધ પરિમાણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. પ્રદૂષણ ફેલાવતા વાહનો પર ગ્રીન ટેક્સ તેમજ જૂની કારને ભંગાર કરી નવી કાર લેનારા લોકો માટે ડિસ્કાઉન્ટની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત વાહનો પોલીસીના આધારે જૂના વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. તેના અનુસાર પર્સનલ વ્હીકલ્સને 20 વર્ષ બાદ અને કર્મશિયલ વ્હીકલ્સને 15 વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. આ માટે દેશમાં ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરની જરૂર રહેશે અને અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ.
રિપોર્ટ અનુસાર ફિટનેસ ટેસ્ટ માટે લગભગ 40 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે જે રોડ ટેક્સ અને ગ્રીન ટેક્સ સિવાયનો રહેશે. આ ફિટનેસ સર્ટિફિકેટ ફક્ત 5 વર્ષને માટે માન્ય રહેશે. તમારા જૂના વાહન ફિટનેસ ટેસ્ટમાં પાસ થયા બાદ જ તેને સડક પર ચાલવાની પરવાનગી મળશે. જો વાહન ફિટનેસ ટેસ્ટમાં ફેલ થાય છે તો તેને રજિસ્ટર કરાશે નહીં અને તેને સ્ક્રેપમાં પણ મોકલવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.