News Continuous Bureau | Mumbai
International Yoga Day 2024 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં આયોજિત 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇવાયડી)ને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું અને યોગ સત્રમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં પ્રસંગે યોગ અને સાધનાની ભૂમિ જમ્મુ-કાશ્મીરમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આજે જમ્મુ અને કાશ્મીરમાં યોગનું વાતાવરણ, ઊર્જા અને અનુભવ અનુભવી શકાય છે.” તેમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર તમામ નાગરિકો અને વિશ્વના વિવિધ ભાગોમાં યોગનો અભ્યાસ કરતા લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો પ્રસ્તાવને રેકોર્ડ 177 દેશોએ સમર્થન આપ્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંદર્ભમાં કરવામાં આવેલા ત્યાર પછીના રેકોર્ડનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં વર્ષ 2015માં કર્તવ્ય પથ પર 35,000 લોકોએ યોગ કર્યા હતા અને ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્રનાં મુખ્યાલયમાં પ્રધાનમંત્રીનાં નેતૃત્વમાં આયોજિત યોગ કાર્યક્રમમાં 130થી વધારે દેશોએ ભાગ લીધો હતો. તેમણે આયુષ મંત્રાલય દ્વારા રચાયેલા યોગ સર્ટિફિકેશન બોર્ડ દ્વારા ભારતની 100થી વધુ સંસ્થાઓ અને 10 મુખ્ય વિદેશી સંસ્થાઓને માન્યતા આપવામાં આવી છે એ બાબતે પણ તેમણે ખુશી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં યોગનો અભ્યાસ કરતા લોકોની સંખ્યા વધી રહી છે, ત્યારે તેનું આકર્ષણ સતત વધી રહ્યું છે. તેમણે યોગની ઉપયોગિતાને પણ લોકો દ્વારા માન્યતા આપવામાં આવી રહી છે તે વાત પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે ભાગ્યે જ કોઈ વિશ્વ નેતા હશે જેણે તેમની વાતચીત દરમિયાન યોગની ચર્ચા કરી ન હોય. તેમણે કહ્યું કે, “વિશ્વના તમામ નેતાઓ મારી સાથેની વાતચીત દરમિયાન યોગમાં ઊંડો રસ દાખવે છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યોગ એ વિશ્વના દરેક ખૂણામાં દૈનિક જીવનનો એક ભાગ બની ગયો છે. સમગ્ર વિશ્વમાં યોગની વધતી જતી સ્વીકૃતિ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ વર્ષ 2015માં તૂર્કમેનિસ્તાનની મુલાકાત દરમિયાન એક યોગ સેન્ટરના ઉદ્ઘાટનને યાદ કર્યું હતું અને અત્યારે દેશમાં યોગ અત્યંત લોકપ્રિય બની ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે તુર્કમેનિસ્તાનની સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીઓએ યોગ થેરેપીનો સમાવેશ કર્યો છે, સાઉદી અરેબિયાએ તેને તેમની શિક્ષણ પ્રણાલીનો એક ભાગ બનાવ્યો છે અને મોંગોલિયન યોગ ફાઉન્ડેશન ઘણી યોગ શાળાઓ ચલાવી રહ્યું છે. યુરોપમાં યોગની સ્વીકૃતિ વિશે માહિતી આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, અત્યાર સુધીમાં 1.5 કરોડ જર્મન નાગરિકો યોગના અભ્યાસી બની ગયા છે. તેમણે 101 વર્ષીય ફ્રેન્ચ યોગ શિક્ષકને આ વર્ષે એક પણ વાર ભારતની મુલાકાત લીધી ન હોવા છતાં યોગમાં તેમના યોગદાન બદલ તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવાનું પણ યાદ કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યોગ આજે સંશોધનનો વિષય બની ગયો છે અને અનેક સંશોધન પત્રો પ્રકાશિત થઈ ચૂક્યા છે.
છેલ્લા 10 વર્ષમાં યોગના વિસ્તરણને કારણે તેના વિશેની બદલાતી માન્યતાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ નવા યોગ અર્થતંત્ર વિશે વાત કરી હતી. તેમણે યોગ પર્યટન માટે વધી રહેલા આકર્ષણ અને અધિકૃત યોગ શીખવા માટે ભારતની મુલાકાત લેવાની લોકોની ઇચ્છાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે યોગ રિટ્રીટ, રિસોર્ટ્સ, એરપોર્ટ અને હોટેલ્સમાં યોગ માટે સમર્પિત સુવિધાઓ, યોગ પરિધાન અને ઉપકરણો, વ્યક્તિગત યોગ પ્રશિક્ષકો અને યોગ અને માઇન્ડફુલનેસ વેલનેસ પહેલ કરતી કંપનીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ તમામ બાબતો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરી રહી છે.
આ વર્ષની IYD -‘યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી’ની થીમ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે વિશ્વ યોગને વૈશ્વિક હિતના શક્તિશાળી એજન્ટ તરીકે જોઈ રહ્યું છે અને તે આપણને ભૂતકાળના સામાન વિના વર્તમાનમાં જીવવા માટે સક્ષમ બનાવે છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “યોગ આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણું કલ્યાણ આપણી આસપાસની દુનિયાના કલ્યાણ સાથે સંબંધિત છે. જ્યારે આપણે અંદર શાંતિથી રહીએ છીએ, ત્યારે આપણે વિશ્વ પર પણ સકારાત્મક પ્રભાવ પાડી શકીએ છીએ.”
આ સમાચાર પણ વાંચો : China Attack on Philippines : આવું તો દરિયાઈ લૂંટારા કરે…, ચાકુ અને તલવારો સાથે ચીની સૈનિકોએ ફિલિપાઈન્સ ના સૈનિકો કર્યો હુમલો; જુઓ વિડીયો.
યોગના વૈજ્ઞાનિક પાસાઓ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ માહિતીના વધુ પડતા ભારનો સામનો કરવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, કારણ કે તેમણે કહ્યું હતું કે, એકાગ્રતા એ સૌથી મોટી શક્તિ છે. આ જ કારણ છે કે, પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, યોગને સેનાથી લઈને રમતગમત સુધીના ક્ષેત્રોમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. અવકાશયાત્રીઓને યોગ અને ધ્યાનની તાલીમ પણ આપવામાં આવી રહી છે. કેદીઓમાં સકારાત્મક વિચારો ફેલાવવા માટે જેલોમાં પણ યોગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું, “યોગ સમાજમાં સકારાત્મક પરિવર્તનના નવા માર્ગો લખી રહ્યું છે.”
પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, યોગમાંથી મળેલી પ્રેરણા આપણા પ્રયાસોને સકારાત્મક ઊર્જા પ્રદાન કરશે. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીર, ખાસ કરીને શ્રીનગરના લોકોના યોગ પ્રત્યેના ઉત્સાહની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે એક મંચ પ્રદાન કરે છે. તેમણે વરસાદી વાતાવરણ હોવા છતાં બહાર આવીને પોતાનું સમર્થન આપવાની લોકોની ભાવનાની પણ પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, “જમ્મુ અને કાશ્મીરમાં યોગ કાર્યક્રમ સાથે 50,000થી 60,000 લોકો જોડાયાં તેવી ઘણી જ મોટી વાત છે.” પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના લોકોનો તેમના સમર્થન અને સહભાગિતા બદલ આભાર માનીને પોતાના સંબોધનનું સમાપન કર્યું હતું તથા વિશ્વભરના તમામ યોગપ્રેમીઓને શુભેચ્છાપાઠવી હતી.
પાશ્વભાગ
પ્રધાનમંત્રીએ 21 જૂન, 2024નાં રોજ 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇડીવાય)નાં પ્રસંગે શ્રીનગરનાં એસકેઆઇસીસીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. આ વર્ષની ઇવેન્ટ યુવા મન અને શરીર પર યોગની ગહન અસરને રેખાંકિત કરે છે. આ ઉજવણીનો હેતુ યોગના અભ્યાસમાં હજારો લોકોને એકજૂથ કરવાનો, વૈશ્વિક સ્તરે આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે.
વર્ષ 2015થી પ્રધાનમંત્રીએ વિવિધ આઇકોનિક સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું, જેમાં દિલ્હી, ચંડીગઢ, દહેરાદૂન, રાંચી, લખનઉ, મૈસુરુ અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રનાં મુખ્યાલયો સામેલ છે.
આ વર્ષની થીમ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ વ્યક્તિગત અને સામાજિક સુખાકારીને પ્રોત્સાહન આપવામાં ડબલ ભૂમિકા પર પ્રકાશ પાડે છે. આ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં જમીની સ્તરે ભાગીદારી અને યોગના પ્રસારને પ્રોત્સાહિત કરશે.
