News Continuous Bureau | Mumbai
ગુજરાતના ( Gujarat ) ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક- યુવતીઓને દૂરના સરહદી વિસ્તારો, ત્યાંનું લોકજીવન, ઐતિહાસિક તેમજ પુરાતત્વીય સ્થળો, સાગરકાંઠો, રણ વિસ્તાર, વગેરેનો પ્રત્યક્ષ પરીચય થાય તેમજ ત્યાંની મુશ્કેલીઓ, હાડમારીઓ વચ્ચે સરહદોનું રક્ષણ ( Border security ) કરતા આપણા જવાનો ( Youngsters ) વિશે માહિતી મેળવી શકે તેવા ઉમદા હેતુથી દર વર્ષે કમિશનર, યુવક સેવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,ગાંધીનગરના ઉપક્રમે દર વર્ષે કચ્છ-બનાસકાંઠા જિલ્લાના વિવિધ સરહદી વિસ્તારોના સ્થળો ખાતે આ સાહસિક પ્રવાસ યોજવામાં આવે છે.
ચાલુ વર્ષે સૂચિત ૧૦ દિવસ માટે આ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમા રાજ્યભરમાંથી મળેલી અરજીઓમાંથી શિબિરાર્થીઓની પસંદગી કરી આ સાહસિક પ્રવાસમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.
કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતા યુવક-યુવતીઓની કે જેમની ઉંમર તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ૧૫થી ૩૫ વર્ષની હોય તેમણે પોતાના જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી ખાતેથી ફોર્મ મેળવી, સંપૂર્ણ વિગતો ભરી આધાર પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નં-૪૧૧, ત્રીજો માળ, બહુમાળી ભવન-ભૂજ, જિ.કચ્છ,પીન-૩૭૦૦૦૧ને આગામી તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં મોકલી આપવાની રહેશે.
આ સમાચાર પણ વાંચો : Janmashtami: જન્માષ્ટમીના પાવન પર્વે સુરતની નવી સિવિલ હોસ્પિટલથી ૪૨મુ અંગદાન
આ કાર્યક્રમમાં જોડાવા માટે NCC કેડેટ્સ,NSSના સભ્યો, નવી દિલ્હી ખાતેની ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડ, તાલુકા જિલ્લા રાજ્યકક્ષાની રમતોમાં પ્રથમ, દ્વિતિય, તૃતિય ક્રમાંક વિજેતા, વિશિષ્ટ બહાદુરી,વીરતા,શૌર્ય માટેનો એવોર્ડ વિજેતા,પર્વતારોહણની બેઝીક તાલીમ લીધી હોય અને કોઇ ખાસ અભિયાન પૂર્ણ કર્યું હોય જેમ કે સાયકલ રેલી,બાઇક રેલી વગેરે વિગતો અંગેના પ્રમાણપત્રો સામેલ રાખવાના રહેશે. અરજી પસંદગી સમયે આ વિગતોને પ્રાધાન્ય આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં પસંદ થનાર યુવક -યુવતીઓને તેઓની પસંદગી બાબતે ટેલીફોનીક જાણ કરવામાં આવશે. પસંદ થનાર યુવક- યુવતીઓએ પોતાના રહેઠાણથી ભૂજ તથા ભૂજથી પરત પોતાના રહેઠાણ ખાતે સ્વ-ખર્ચે આવવા -જવાનું રહેશે. કાર્યક્રમ દરમિયાન ભોજન, નિવાસ તેમજ અન્ય આનુષાંગિક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.