ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 માર્ચ 2021
કેન્દ્ર સરકાર ભારત દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ઘરની બહાર વિસ્ફોટક ભરેલી ગાડી મળવાના મામલે નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી ને તપાસ સોંપી દીધી છે. હવે આ મામલે ગતિવિધિ તેજ થઇ ગઇ છે. એનઆઈએ એ આ સંદર્ભે છ આપરાધિક ધારાઓ હેઠળ કેસ દર્જ કરી નાખ્યો છે. આ ઉપરાંત તેમણે તપાસ માટે ત્રણ વિશેષ ટીમ બનાવી છે જેમાં આઈજી સ્તરના અધિકારી ઇન્ચાર્જ રહેશે. આ ઉપરાંત આ સમગ્ર મામલે તેમણે મુંબઈ પોલીસ પાસે રિપોર્ટ પણ મંગાવ્યો છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આ મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સી તરફથી અત્યાર સુધીમાં દર્જ કરવામાં આવેલા તમામ સ્ટેટમેન્ટ અને ફોરેન્સિક રિપોર્ટ માંગવામાં આવ્યા છે. હવે એક વિશેષ તપાસ દળ મુંબઈ માટે રવાના થશે. જે એન્ટિલિયા ના મુખ્ય સુરક્ષા અધિકારી અને પોલીસ અધિકારીઓ સાથે સવાલ-જવાબ કરશે. તેમજ આ કેસમાં મુખ્ય સાક્ષી ના ઘરે પણ જશે.
આમ હવે મુકેશ અંબાણીના ઘરની બહાર ગાડી રાખવાના મામલે તપાસ જલદ ગતિએ આગળ વધી રહી છે.