ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
કેન્દ્ર સરકારે સીમા સુરક્ષા બળ (BSF) અધિનિયમમાં બદલાવ કર્યો છે. પંજાબ, આસામ અને પશ્ચિમ બંગાળમાં BSFને આંતરરાષ્ટ્રીય સીમામાં 15 કિમીને બદલે 50 કિમીના ઘેરામાં તપાસ અને ધરપકડ કરવાનો અધિકાર આપ્યો છે. જેના ઉપર શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ અને ફિરોજપુરની લોકસભાના સાંસદ સુખબીર સિંહ બાદલે ટીકા કરીને તેને સેનાનું શાસન ગણાવ્યું છે. કેન્દ્રના આ નિર્ણય ઉપર બાદલે પંજાબના મુખ્ય પ્રધાન ચરણજિતસિંહ ચન્ની ઉપર પણ નિશાન સાધતાં કહ્યું હતું કે આ માટે પરવાનગી તેમણે જ આપી છે.
સુખબીર સિંહ બાદલે એક મીડિયા સંસ્થાને કહ્યું હતું કે સરકારનો આ નિર્ણય પંજાબમાં સેનાના શાસન જેવો છે. હવે અડધું પંજાબ કેન્દ્રના હાથમાં છે. BSF સીમાવર્તી ક્ષેત્રોમાં નજીકના દરબાર સાહેબ અને વાલ્મીકિ મંદિરમાં પ્રવેશ કરીને કોઈની પણ ધરપકડ કરી શકે છે. આ વાત માટે મુખ્ય પ્રધાન દોષી છે. તેમણે જ કેન્દ્રીય ગૃહપ્રધાન સાથે મુલાકાત લઈને આની પરવાનગી આપી છે.
સુખબીર સિંહ બાદલે કેન્દ્રના આ પગલાને પંજાબવાસીઓનું અપમાન ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે રાજકીય પાર્ટીઓ નાનકડી ભાગીદારી માટે પોતાની લડાઈ બંધ નહીં કરે તો કેન્દ્ર આપણી
નબળાઈનો ફાયદો ઉઠાવશે. જનતાની સમસ્યાઓનું સમાધાન કરવા માટે પણ આપણી પાસે અધિકાર નહીં રહે. બાદલે રાજ્યની અન્ય રાજકીય પાર્ટીઓને કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ એકત્ર થઈને લડાઈ લડવાની હાકલ કરી છે.