ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
કાન ફાડી નાખે એવા ગાડીઓના કર્કશ હૉર્નથી ઘણી વાર ત્રાસ થતો હોય છે. દરરોજ પરિવહન કરનારા લોકોના કાનને પણ નુકસાન થઈ શકે એવા હૉર્નને બદલે રસ્તા પર હવે સંગીત સંભળાશે. તબલાં, હાર્મોનિયમ વાંસળી અને વાયોલિનના અવાજમાં ગાડીઓના હૉર્ન વાગશે.
કેન્દ્રીય માર્ગ પરિવહનમંત્રી નીતિન ગડકરી એક એવો કાયદો બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે જે લાગુ થયા બાદ વાહનોમાં મ્યુઝિકલ હૉર્ન લગાવી શકાશે.
નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અમે પોલીસ અને ઍમ્બ્યુલન્સ ગાડીઓમાં વપરાતી સાયરન ઉપર પણ અભ્યાસ કરી રહ્યા છીએ. આ સાયરનની જગ્યાએ મધુર ધૂન બેસાડવાનો વિચાર છે, જે આકાશવાણી ઉપર વગાડવામાં આવે છે. મંત્રીઓ જ્યારે રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે તેમની ગાડીઓમાં મોટા અવાજે હૂટર વાગે છે, જેનાથી કાનને ત્રાસ થાય છે. એના ઉપર પણ અભ્યાસ ચાલી રહ્યો છે. બધાં વાહનોમાં હૉર્નની જગ્યાએ ભારતીય વાદ્યનો કર્ણપ્રિય અવાજ સાંભળવા મળશે.