ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર, 2021
ગુરુવાર
પેટ્રોલ ડીઝલ સહિત ઘણી વસ્તુઓના મોંઘા ભાવથી જનતા પરેશાન છે. જેના વિરોધમાં સામાન્ય નાગરિકોથી માંડીને વિપક્ષના નેતાઓએ પણ અનેકવાર વિરોધ કર્યો છે. હવે કેન્દ્રએ વધુ એક આર્થિક આંચકો આપવાનું નક્કી કર્યું છે. મોદી સરકારે ઓટોમેટિક પાસથ્રુ મોડલનો ઉપયોગ કરીને વીજળીના દરો માટે નવા નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમ હેઠળ પેટ્રોલ અને ડીઝલની જેમ હવે વીજળીના ભાવમાં પણ રોજનો વધારો થશે.
કોલસાની કટોકટીની ઘટના પછી દેશમાં ડઝનેક પાવર પ્લાન્ટ કામ કરવાનું બંધ કરી દીધું છે, કારણ કે તેમની પાસે વીજળી પેદા કરવા માટે કોલસો ન હતો. ખાનગી કંપનીઓએ કોલસાની કંપનીઓને એડવાન્સ ચૂકવણી કરવાની હતી. તરલતાના અભાવે તેમની પાસે સ્ટોરેજનો વિકલ્પ નથી. આવી સ્થિતિમાં સરકારે આ નિર્ણય લેવો પડ્યો.
ઓટોમેટિક પાસથ્રુ મોડલ એટલે?
ઓટોમેટિક પાસથ્રુ મોડલ હેઠળ, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણની કિંમતો વધે છે, ત્યારે રાજ્યની પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (ડિસ્કોમ)એ પાવર ખરીદવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે. રાજસ્થાનમાં આ નિયમ શરૂ થઈ ગયો છે. રાજ્યના ત્રણ શહેરો જયપુર, જોધપુર અને અજમેરમાં ડિસ્કોમ કંપનીઓએ તેમના ગ્રાહકો પર પ્રતિ યુનિટ 33 રૂપિયાનો ફ્યુઅલ સરચાર્જ લાદ્યો છે. આગામી ત્રણ મહિના સુધી ગ્રાહકોના વીજ બિલમાં વધારો થશે. હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દેશના અન્ય રાજ્યો પણ ટૂંક સમયમાં આવું કરી શકે છે.
નોંધનીય વાત એ છે કે વીજ ઉત્પાદન કંપનીઓની સાથે વિતરણ કંપનીઓ પણ ભારે નુકસાનનો સામનો કરી રહી છે. જેના કારણે દેશના ઉર્જા ક્ષેત્રે મોટું સંકટ ઉભું થયું છે. દેશમાં સૌર ઉર્જા માટે મોટી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હાલમાં ભારતમાં વીજળીનો મુખ્ય સ્ત્રોત કોલસો છે. દેશમાં કોલસાની માગને પહોંચી વળવા માટે કોલસાની મોટા પાયે આયાત કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં જ્યારે વિશ્વમાં ઈંધણના ભાવ વધશે ત્યારે ઉર્જા ઉત્પાદક કંપનીઓનો ખર્ચ પણ વધશે. આ કારણે કંપનીઓ ગ્રાહકો માટે વીજળીની કિંમત વધારીને આની ભરપાઈ કરવાનો પ્રયાસ કરશે.
ઓટોમેટિક પાસથ્રુ મોડલનો ઉપયોગ કરીને આ કંપનીઓ રાજ્યોને મોંઘી વીજળી વેચશે. આ પછી, ડિસ્કોમ્સ પણ વીજળીના દરમાં વધારો કરશે.
રાહતની થોડી આશા
નિષ્ણાતોનું કહેવું છે કે આ વ્યવસ્થા દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં ફેરફારની જેમ કામ કરશે. સાથે આ વસ્તુઓની જેમ વીજળીના ભાવમાં પણ દરરોજ વધારો જોવા મળી શકે છે. દેશના તમામ રાજ્યોની ડિસ્કોમ્સ પહેલેથી જ ભારે ઋણના બોજ હેઠળ દબાયેલી છે. તેથી તેમાંથી રાહતની આશા ઓછી છે. મહત્વની વાત એ પણ છે કે ભારતમાં ઉત્પાદિત 60 ટકા વીજળી અશ્મિભૂત (ફોસિલ) ઇંધણથી થાય છે. તજજ્ઞોનું માનવું છે કે જો એક રાજ્ય વીજળીના ભાવ વધારશે તો અન્ય રાજ્યો પણ આ પગલાંને અનુસરશે એટલે કે આવનારા દિવસોમાં વીજળીનું બિલ વધવાનું છે.