News Continuous Bureau | Mumbai
Pahalgam Terror Attack : 19 એપ્રિલ થી 27 એપ્રિલ સુધી કથાકાર પૂજ્ય મોરારી બાપૂની રામ કથાનું આયોજન શ્રીનગર ખાતે હતું. મહિનાઓ પહેલા જ મારા એક મિત્રના આગ્રહ પર મેં ત્યાં જોડાવા માટેનું ગૂગલ ફોર્મ ભરેલું અને છેક એપ્રિલ સુધી મને ખબર જ નહી કે મારું રજીસ્ટ્રેશન કન્ફર્મ છે. છેલ્લા ચાર દિવસ પૂર્વે ખબર પડી કે મેઇલ આવ્યો છે તે વાંચીને હું 18 એપ્રિલના ફ્લાઈટ મારફત શ્રીનગર પહોંચી ગઈ. જીવનમાં એકવખત કાશ્મીરમાં દસેક દિવસ રહેવું તેવી ઇચ્છાપૂર્તિ માટે આ એકદમ સુવર્ણ તક લાગતી હતી. કોઈ પણ પ્રદેશની સ્થાનિક આબોહવા, વાતાવરણ, ખાદ્ય પદાર્થો, મિજાજ સમજવા ત્યાં તે પ્રદેશમાં અઠવાડિયું કાઢો તો જ કંઈક અંશે તે આત્મસાત કરી શકાય તેવી માન્યતાથી હું પાક્કા દસ દિવસની તૈયારી સાથે ગઈ. 18 એપ્રિલ થી 28 એપ્રિલ સુધીની આ યાત્રા માં સવારે શ્રી નગર ખાતે બાપુની કથા માં 10 થી એક બેસીને બપોરના એક વાગ્યા પછી ભોમિયાની જેમ શ્રીનગરના ખૂણે ખૂણે ફરવા માંડતી. પહેલગામની ઘટના પછી સહુ શુભચિંતકોનો એક જ સૂર કે ઘરભેગા થાવ!! માટે 28 ની ટિકિટ કેન્સલ કરી 25 ના મુંબઈ ખાતે પરત ફરી.
હું 18 એપ્રિલ થી 25 એપ્રિલ સુધી શ્રીનગરમાં જ હતી.
પહેલગામમાં હુમલો થયો અને કરપીણ હત્યાઓ થઈ ત્યારે હું શ્રીનગરના જયેષ્ઠા માતા મંદિરમાં પહાડો પર હતી.
ત્યાં નેટવર્ક હતું નહીં એટલે કોઈ વોટ્સએપ કે સમાચાર લિંક્સ વાંચવા મળી નહી. જયેષ્ઠા માતા મંદિરથી સાંજે નીચે આવી ત્યારે અચાનક લોકોના મુંબઈથી ફોન મેસેજ આવ્યા ત્યારે હકીકત જાણવા મળી.
હું જે હોટલમાં રોકાઈ હતી તે હોટલના ઉતારાની વ્યવસ્થા ચિત્રકૂટ ધામ તલગાજરડા મારફત કરવામાં આવી હતી.
એ કલારૂઝ હોટલ શાહીદ અલી નામના એડવોકેટ વ્યક્તિની હતી.
જ્યાં સુધી પહેલગામ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ન બની ત્યાં સુધી હોટેલના માલિક શાહીદ ભાઈ સાથે કામ પૂરતી વાત જ કરી હતી. 22 એપ્રિલના રાત્રે પોતપોતાના રૂમમાં અમે સહુ ભરાઈ ગયા.
રૂમની બહાર પાંદડું હલે તોય એમ થાય કે આતંકવાદી હશે ? આખી રાત મટકું માર્યા વગર હું જાગતી રહી. સવારે રૂમની પરસાળમાં આવી તે હોટલનાં કેર ટેકર બહેન ત્યાંનો મોટો કેટલો લઈ આવ્યા, આપણા જૂના જમાના જેવો પાણી ગરમ કરતા તેવા બંબા જેવી જ નકશીદાર કેટલ લઈ આવ્યા. તેમાં વચ્ચે બંબામાં હોય તેવો પહોળો પાઇપ હોય જેમાં કોલસા પેટાવેલા હોય આજુબાજુની જગ્યામાં પાણી કેસર, તજ, સાકર, એલચી અને કાજુ બદામનો ભૂક્કો ઉમેરી ગરમ થવા દે. તે પાણી ઉકળીને કેહેવો (કહવા્ , કાહવા) બને.
હોટલ માલિકના માસી કેર ટેકર બેન મને કહે આપ અપને હાથ સેંકો, પેલા બંબાનુમા કેટલના કોલસાથી હાથને ગરમાવો મળ્યો અને પેલી બહેનની આત્મીયતા પણ મળી, તે સારું લાગ્યું. મને કહે બહાર કાશ્મીર બંધનું એલાન છે. હોટેલથી બહાર નીકળવાનું નથી માટે સહુ માટે હું કાહવો બનાવી રહી છું. આખી હોટલમાં રામકથામાં પધારેલા રામભક્તો જ હતા. સાથે તેમણે ખૂબ જ સ્વાદિષ્ટ કેક બિસ્કિટ ની વ્યવસ્થા કરી.
આ સમાચાર પણ વાંચો : Night Landing Airstrip :પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે વાયુસેનાની તૈયારી, યુપીમાં હાઇવે પર દેશનું પ્રથમ એરક્રાફ્ટ નાઈટ લેન્ડિંગ; જુઓ વિડીયો…
પછી હોટલ માલિક શાહીદ અલી આવીને મારી પાસે ખુરશીમાં બેઠા. પરંતુ તે વ્યક્તિ ખરો દેશભક્ત મુસલમાન હતો.
વારંવાર એકજ વાત બોલી રહ્યો હતો. આતંકવાદીઓને બડા ગલત કિયા !! મોદીજી કે વિકાસ કો રોકને કી કોશિશ કી…. 370 જાને કે બાદ તો ફલ ફુલ રહા થા કશ્મીર!! હું આશ્ચર્યચકિત હતી. આગળ શાહીદ અલી કહે, યે દેખીએ સામને વાલી હોટલ મેં કભી ભી કોઈ કમરા જલ્દી બુક નહી હોતા થા આજ વો ભી ફુલ હૈ…. વગેરે વગેરે. સાવ સહજતા થી સ્વીકારી રહ્યો હતો કે વડાપ્રધાન મોદીએ કાશ્મીરની સિકલ ફેરવી નાખી છે.
આગળ ઘણી વાતો થઈ હોટલ માલિક અને તેની માસી સાથે. તેમનું કહેવું એક જ કે જમ્મુ કાશ્મીરના વિકાસને રોકવા આ પાકિસ્તાની કૃત્ય છે. અમારું ખૂબ મોટું નુકસાન થયું છે. તેની માસી મને કહે તમે તો બે દિવસમાં જતા રહેશો, અમારે લલાટે આ કાયમની પીડા છે. માંડ બે પૈસા રળતા હોય ત્યાં આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી અમારી ઈજ્જત ધોવાઈ જાય.
એક મહત્વપૂર્ણ વાત વારંવાર તે કલારૂઝ હોટલ વાળા બોલતા હતા કે “સચ્ચા મુસલમાન, ઇસ્લામ કો માનને વાલા ઐસે નિર્દોષ ટૂરિસ્ટો કો કભી નહીં મારેગા!! યે હત્યારે હોતે હૈં. બહુત બુરા કિયા ઈન્હોને!! ઇનકે કારણ પૂરી કોમ બદનામ હોતી હૈ.”
મારો ત્યાંનો લોકલ મુસ્લિમ ડ્રાઈવર આરીફ સાથે હું ૨૩ એપ્રિલ બપોર પછી બહાર નીકળી, મને કે આપ સેફ હો. શ્રીનગર મેં સહુની જુબાન પર વર્તમાન સરકાર માટે પ્રશંસા હતી.
By the way હું ભાજપની છું એ ઓળખ પ્રથમ દિવસથી મેં છુપાવી હતી. એટલે રખે કોઈ એવું ન માનતા કે તમને મોઢા મોઢ સારું લગાવવા બોલ્યાં હશે. પરંતુ પાકિસ્તાનથી થયેલી સાજિશ અને આતંકવાદીઓને સાથ આપનાર કોઈ લોકલ ઘોડેસવાર અથવા રહેવાસી મુસ્લિમ કોમના જ આતંકી પ્રવૃતિના વ્યક્તિ અને દેશભરમાં તેમજ કાશ્મીરમાં વસતા દરેક મુસ્લિમને એક જ પંક્તિમાં બેસાડવા ભૂલભરેલું થશે અને દેશ હિતમાં નહીં રહે એ સમજવું પડશે.
જો કાશ્મીરનો મુસલમાન માની રહ્યો છે કે મોદી સરકાર આવ્યા બાદ જમ્મુ કાશ્મીર એ સારા દિવસો જોયા છે તો ફક્ત મોદી વિરોધમાં કે ભાજપ દ્વેષના આવેશમાં સરકારને ભાંડવા અને બદનામ કરવાવાળા વિરોધીઓને શું સમજવા ?!!
Think about it !!
નિલા સોની રાઠોડ – લેખક પૂર્વ પત્રકાર તેમજ હાલ ભાજપના મિડીયા કોઓર્ડિનેટર છે..