News Continuous Bureau | Mumbai
New Delhi: કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો શ્રી રાજનાથ સિંહજી ( Rajnath Singh ) , શ્રી અજય ભટ્ટજી, સીડીએસ જનરલ અનિલ ચૌહાણજી, ત્રણેય સેનાઓના વડાઓ, સંરક્ષણ સચિવ, એનસીસીના ડીજી, તમામ મહેમાનો અને એનસીસીના મારા યુવા સાથીદારો.
એક ભૂતપૂર્વ એનસીસી કેડેટ હોવાનાં કારણે જ્યારે પણ હું ( Narendra Modi ) તમારી વચ્ચે આવું છું ત્યારે ઘણી જૂની યાદો તાજી થાય તે ખૂબ જ સ્વાભાવિક છે. જ્યારે આપણે એનસીસી કેડેટ્સમાં ( NCC Cadets ) આવીએ છીએ, ત્યારે આપણને સૌ પ્રથમ એક ભારત-શ્રેષ્ઠ ભારતનાં દર્શન થાય છે. તમે લોકો તો દેશના ખૂણે ખૂણેથી અહીં આવ્યા છો. અને મને ખુશી છે કે વીતેલાં વર્ષોમાં એનસીસી રેલીનો ( NCC rally ) વ્યાપ પણ સતત વધી રહ્યો છે. અને આ વખતે અહીં વધુ એક નવી શરૂઆત થઈ છે. આજે અહીં, જેને સરકાર વાઇબ્રન્ટ ગામો તરીકે વિકસાવી રહી છે તેવાં દેશભરનાં સરહદી ગામોના 400થી વધુ સરપંચો આપણી વચ્ચે છે. આ ઉપરાંત દેશભરમાંથી સ્વ-સહાય જૂથોના પ્રતિનિધિ તરીકે 100થી વધુ બહેનો પણ હાજર છે. હું આપ સૌનું પણ હાર્દિક સ્વાગત કરું છું.
સાથીઓ,
એનસીસીની આ રેલી એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્યની ભાવનાને સતત મજબૂત કરી રહી છે. 2014માં આ રેલીમાં 10 દેશોના કેડેટ્સે ભાગ લીધો હતો. આજે 24 મિત્ર દેશોના કેડેટ્સ અહીં હાજર છે. હું તમને બધાને અને ખાસ કરીને વિદેશથી આવેલા તમામ યુવા કેડેટ્સને અભિનંદન આપું છું.
મારા યુવા સાથીઓ,
આ વર્ષે દેશ 75મો પ્રજાસત્તાક દિવસ ( Republic Day ) ઉજવી રહ્યો છે. આ ઐતિહાસિક સીમાચિહ્ન દેશની નારીશક્તિને સમર્પિત કરવામાં આવ્યું છે. આપણે ગઈકાલે પણ કર્તવ્ય પથ પર જોયું કે આ વખતેનો કાર્યક્રમ વુમન પાવરને સમર્પિત હતો. આપણે દુનિયાને બતાવ્યું કે ભારતની દીકરીઓ કેટલું સરસ કામ કરી રહી છે. આપણે દુનિયાને બતાવ્યું કે કેવી રીતે ભારતની દીકરીઓ દરેક ક્ષેત્રમાં નવા આયામો સર્જી રહી છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ આ પહેલીવાર હતું જ્યારે આટલી મોટી સંખ્યામાં મહિલા ટુકડીએ ભાગ લીધો હતો. તમે બધાએ શાનદાર પ્રદર્શન કર્યું. આજે અહીં ઘણા કેડેટ્સને પુરસ્કાર પણ મળ્યા છે. કન્યાકુમારીથી દિલ્હી અને ગુવાહાટીથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા કરવી… ઝાંસીથી દિલ્હી સુધી, નારીશક્તિ વંદન દોડ… 6 દિવસ સુધી 470 કિલોમીટર દોડવું, એટલે કે દરરોજ 80 કિલોમીટર દોડવું… આ સરળ નથી. આ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેનાર તમામ કેડેટ્સને હું અભિનંદન આપું છું. અને સાઈકલનાં જે બે જૂથ છે, એક બરોડા અને એક કાશી. હું બરોડાથી પણ પહેલીવાર સાંસદ બન્યો હતો અને કાશીથી પણ સાંસદ બન્યો હતો.
મારા નવયુવાન સાથીઓ,
ક્યારેક દીકરીઓની ભાગીદારી માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમો સુધી જ સીમિત રહેતી હતી. આજે દુનિયા જોઈ રહી છે કે કેવી રીતે ભારતની દીકરીઓ જળ, જમીન, આકાશ અને અંતરિક્ષમાં પોતાનું કૌશલ્ય પુરવાર કરી રહી છે. ગઈકાલે કર્તવ્ય પથ પર તેની ઝાંખી બધાયે જોઈ છે. ગઈકાલે દુનિયાએ જે કંઈ પણ જોયું તે અચાનક નથી બન્યું. છેલ્લાં 10 વર્ષના સતત પ્રયાસોનું આ પરિણામ છે.
આ સમાચાર પણ વાંચો : Ram Mandir: રામ મંદિર બનશે હવે અભેદ્ય.. મંદિરની રક્ષા કરશે ઈઝરાયેલના આ એન્ટી ડ્રોન, જાણો શું છે એન્ટી ડ્રોન સિસ્ટમ?
ભારતીય પરંપરામાં હંમેશા નારીને એક શક્તિ તરીકે જોવામાં આવે છે. ભારતની ધરતી પર રાણી લક્ષ્મીબાઈ, રાણી ચેનમ્મા અને વેલુ નાચિયાર જેવી વીરાંગનાઓ થઈ છે. આઝાદીની લડાઈમાં એક એકથી ચઢિયાતી ઘણી મહિલા ક્રાંતિકારીઓએ અંગ્રેજોને હરાવ્યા હતા. છેલ્લાં 10 વર્ષમાં અમારી સરકારે નારીશક્તિની આ જ ઊર્જાને સતત સશક્ત કરી છે. તમામ ક્ષેત્રોમાં જ્યાં દીકરીઓનો પ્રવેશ પહેલા બંધ હતો અથવા મર્યાદિત હતો, અમે ત્યાં દરેક પ્રતિબંધો દૂર કર્યા છે. અમે દીકરીઓ માટે ત્રણેય સેનાના અગ્ર મોરચા ખોલી દીધા. આજે સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવામાં આવી રહ્યું છે. દીકરીઓને ત્રણેય સૈન્યમાં કમાન્ડ રોલ અને કોમ્બેટ પોઝિશન પર મૂકીને તેમના માટે માર્ગો ખોલવામાં આવ્યા છે. આજે તમે જુઓ, અગ્નિવીરથી લઈને ફાઈટર પાઈલટ સુધી દીકરીઓની ભાગીદારી ઘણી વધી રહી છે. અગાઉ સૈનિક શાળાઓમાં પણ દીકરીઓને ભણવા દેવામાં આવતી ન હતી. હવે દીકરીઓ દેશભરની ઘણી સૈનિક શાળાઓમાં અભ્યાસ કરી રહી છે. કેન્દ્રીય સુરક્ષા દળોમાં મહિલા કર્મચારીઓની સંખ્યા 10 વર્ષમાં બમણાથી વધુ થઈ ગઈ છે. રાજ્ય પોલીસ દળોમાં પણ વધુને વધુ મહિલા દળો હોય તે માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે.
અને સાથીઓ,
દીકરીઓ જ્યારે આવા વ્યવસાયમાં આવે છે ત્યારે તેની અસર સમાજની માનસિકતા પર પણ પડે છે. તેનાથી મહિલાઓ સામેના ગુનાઓ ઘટાડવામાં પણ મદદ મળે છે.
યુવા સાથીઓ,
સમાજનાં અન્ય ક્ષેત્રોમાં પણ દીકરીઓની ભાગીદારી સતત વધી રહી છે. દરેક ગામમાં બેંકિંગ હોય, વીમો હોય કે તેની સાથે જોડાયેલ સર્વિસ ડિલિવરીમાં પણ મોટી સંખ્યામાં આપણી દીકરીઓ જ છે. આજે સ્ટાર્ટ-અપ હોય કે સ્વ-સહાય જૂથો, દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહી છે.
યુવા સાથીઓ,
જ્યારે દેશ દીકરા-દીકરીની પ્રતિભાને સમાન તક આપે છે ત્યારે તેનો ટેલેન્ટ પૂલ ઘણો મોટો બની જાય છે. વિકસિત ભારતનાં નિર્માણ માટે આ જ તો સૌથી મોટી તાકાત છે. આજે સમગ્ર વિશ્વની શક્તિ ભારતના આ ટેલેન્ટ પૂલ પર છે. આજે સમગ્ર વિશ્વ ભારતને વિશ્વ મિત્ર તરીકે જોઈ રહ્યું છે. ભારતના પાસપોર્ટની તાકાત ઘણી વધી રહી છે. આનો સૌથી વધુ ફાયદો તમારા જેવા યુવા મિત્રોને મળી રહ્યો છે, તમારી કારકિર્દીને થઈ રહ્યો છે. વિશ્વના ઘણા દેશો આજે ભારતના યુવાનોની પ્રતિભાને એક તક તરીકે જોઈ રહ્યા છે.
યુવા સાથીઓ,
હું વારંવાર એક વાત કહું છું. આ જે અમૃતકાલ છે એટલે કે આવનારાં 25 વર્ષો, તેમાં આપણે જે વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છીએ તેના લાભાર્થી મોદી નથી. તેના સૌથી મોટા લાભાર્થી તમારા જેવા મારા દેશના યુવાનો છે. તેના લાભાર્થીઓ તે વિદ્યાર્થીઓ છે જેઓ હાલમાં શાળામાં છે, કૉલેજમાં છે, યુનિવર્સિટીમાં છે, એ લોકો છે. વિકસિત ભારત અને ભારતના યુવાનોની કારકિર્દીનો માર્ગ એકસાથે ઉપરની તરફ જશે. તેથી, તમે બધાએ સખત મહેનત કરવામાં એક ક્ષણ પણ બગાડવી જોઈએ નહીં. છેલ્લાં 10 વર્ષમાં કૌશલ્ય હોય, રોજગાર હોય, સ્વરોજગાર હોય એ માટે દરેક ક્ષેત્રમાં મોટા પાયે કામ કરવામાં આવ્યું છે. યુવાનોની પ્રતિભા અને યુવાનોનાં કૌશલ્યનો શક્ય તેટલો વધારે ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તમને નવી સદીના નવા પડકારો માટે તૈયાર કરવા માટે બનાવવામાં આવી છે. આજે પીએમ શ્રી શાળા અભિયાન અંતર્ગત દેશભરની હજારો શાળાઓને સ્માર્ટ બનાવવામાં આવી રહી છે. છેલ્લા દાયકામાં, તે કૉલેજો હોય, યુનિવર્સિટીઓ હોય કે વ્યાવસાયિક શિક્ષણ સાથે સંબંધિત સંસ્થાઓ હોય, તેમાં અભૂતપૂર્વ વૃદ્ધિ કરવામાં આવી છે. છેલ્લાં 10 વર્ષમાં ભારતીય યુનિવર્સિટીઓનાં વૈશ્વિક રેન્કિંગમાં પણ ઘણો સુધારો થયો છે. ભારતમાં મેડિકલ કૉલેજોની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે, મેડિકલ સીટોમાં પણ ઘણો મોટો વધારો થયો છે. ઘણાં રાજ્યોમાં નવી આઇઆઇટી અને નવી એઈમ્સ બનાવવામાં આવી છે. સરકારે યુવા પ્રતિભાઓ માટે સંરક્ષણ, અવકાશ, મેપિંગ જેવાં ક્ષેત્રો ખોલ્યાં છે. સંશોધનને પ્રોત્સાહન આપવા માટે નવો કાયદો પણ બનાવવામાં આવ્યો છે. આ તમામ કાર્યો મારા યુવા મિત્રો આપના માટે જ છે, ભારતના યુવાનો માટે જ થયાં છે.
આ સમાચાર પણ વાંચો : Hanuman Flag: કર્ણાટકમાં હનુમાન ધ્વજ હટાવવાને લઈને, ગ્રામજનોએ કર્યો જોરદાર વિરોધ, આ સંદર્ભે સિદ્ધારમૈયાએ કહ્યું- આ.
સાથીઓ,
તમે લોકોએ ઘણીવાર જોયું હશે કે હું મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત વિશે ઘણી વાતો કરું છું. આ બંને અભિયાન પણ તમારા જેવા યુવાનો માટે છે. આ બંને અભિયાનો ભારતના યુવાનોને રોજગારીની નવી તકો આપી રહ્યા છે. સરકારના પ્રયાસોથી છેલ્લાં 10 વર્ષમાં ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા આપણી યુવા શક્તિની નવી તાકાત બનશે અને આપણી યુવા શક્તિની નવી ઓળખ બનશે. એક દાયકા પહેલા એ વિચારવું પણ મુશ્કેલ હતું કે ભારત પણ એક અગ્રણી ડિજિટલ અર્થતંત્ર બની શકે છે. સામાન્ય વાતચીતમાં સ્ટાર્ટઅપ્સનું નામ જ આવતું નહોતું. આજે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. આજે દરેક બાળક સ્ટાર્ટઅપની વાત કરે છે, યુનિકોર્ન વિશે વાત કરે છે. આજે ભારતમાં સવા લાખથી વધુ નોંધાયેલાં સ્ટાર્ટઅપ્સ છે અને 100થી વધુ યુનિકોર્ન છે. તેમાં લાખો યુવાનો ગુણવત્તાયુક્ત નોકરીઓ કરી રહ્યા છે. આ સ્ટાર્ટઅપ્સમાં પણ મોટાભાગનાને ડિજિટલ ઈન્ડિયાનો સીધો લાભ મળી રહ્યો છે. જ્યાં એક દાયકા પહેલા આપણે 2G-3G માટે જ સંઘર્ષ કરતા હતા, આજે 5G દરેક ગામડામાં પહોંચવા માંડ્યું છે. ઓપ્ટિકલ ફાઈબર દરેક ગામડામાં પહોંચવા લાગ્યું છે.
સાથીઓ,
જ્યારે આપણે આપણા મોટાભાગના મોબાઈલ ફોન વિદેશથી જ આયાત કરતા હતા, ત્યારે તે એટલા મોંઘા હતા કે તે સમયના મોટાભાગના યુવાનોને તે પરવડી શકતા ન હતા. આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક અને બીજા નંબરનો સૌથી મોટો નિકાસકાર પણ છે. આનાથી તમારો મોબાઈલ ફોન સસ્તો થઈ ગયો. પરંતુ તમે એ પણ જાણો છો કે ફોનનું મહત્વ ડેટા વગર કંઈ નથી. અમે એવી નીતિઓ બનાવી કે આજે ભારત વિશ્વમાં સૌથી સસ્તો ડેટા આપનાર દેશોમાંનો એક છે.
સાથીઓ,
આજે દેશમાં જે ઈ-કોમર્સ, ઈ-શોપિંગ, હોમ ડિલિવરી, ઓનલાઈન એજ્યુકેશન, રિમોટ હેલ્થકેરનો ધંધો વધી રહ્યો છે, તે એમ જ બન્યું નથી. છેલ્લાં 10 વર્ષમાં ભારતમાં થયેલી આ ડિજિટલ ક્રાંતિનો સૌથી વધુ ફાયદો યુવા સર્જનાત્મકતાને થયો છે. તમે જોશો કે આજે ભારતમાં ડિજિટલ કન્ટેન્ટનું સર્જન કેટલું વિસ્તર્યું છે. તે પોતાનામાં જ એક વિશાળ અર્થતંત્ર બની ગયું છે. છેલ્લાં 10 વર્ષમાં દરેક ગામમાં 5 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર બનાવવામાં આવ્યાં છે. જેમાં લાખો યુવાનો કામ કરી રહ્યા છે. એવાં ઘણાં ઉદાહરણો છે જે દર્શાવે છે કે ડિજિટલ ઈન્ડિયા કેવી રીતે સુવિધા અને રોજગાર બંનેને પ્રોત્સાહન આપી રહ્યું છે.
મારા યુવા સાથીઓ,
સરકાર એ હોય છે જે ભવિષ્યની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં નીતિઓ બનાવે અને નિર્ણયો લે. સરકાર એ હોય છે જે પોતાની પ્રાથમિકતાઓને સ્પષ્ટ રાખે. એક સમય હતો જ્યારે આપણા દેશમાં સરહદી વિસ્તારના વિકાસની સૌથી વધુ અવગણના કરવામાં આવતી હતી. પહેલાની સરકાર કહેતી હતી કે બોર્ડર પર રસ્તાઓ બનાવવામાં આવે તો દુશ્મનો માટે સરળતા રહેશે. ત્યારે સરહદે આવેલાં ગામોને છેલ્લું ગામ કહેવામાં આવતું હતું. અમારી સરકારે આ વિચાર બદલી નાખ્યો છે. અગાઉની સરકારની નજરમાં જે છેલ્લાં ગામો હતાં, અમારી સરકારે તેમને પ્રથમ ગામ માન્યાં. આજે આ ગામોના વિકાસ માટે જ વાઈબ્રન્ટ વિલેજ યોજના ચલાવવામાં આવી રહી છે. આજના આ કાર્યક્રમમાં આ ગામોના અનેક સરપંચો પણ હાજર છે. આજે તેઓ તમને જોઈ રહ્યા છે, તમારી ઊર્જા જોઈ રહ્યા છે, ખુશ છે. કાલે સરહદે આવેલાં આ ગામો જ પર્યટનનું મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યાં છે. હું પણ ઈચ્છું છું કે તમે વાઈબ્રન્ટ વિલેજ વિશે શક્ય તેટલું વધુ જાણો.
મારા યુવા સાથીઓ,
વિકસિત ભારત તમારાં સપનાને પૂરાં કરનારું હશે. તેથી, આજે જ્યારે વિકસિત ભારતનાં નિર્માણ માટે રોડમેપ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે તેમાં તમારી ભાગીદારી ખૂબ મોટી છે. તમારા જેવા યુવાનો માટે જ સરકારે મેરા યુવા ભારત એટલે કે MYBAHARAT સંગઠન પણ બનાવ્યું છે. આ 21મી સદીના ભારતના યુવાનોનું સૌથી મોટું સંગઠન બની ગયું છે. માત્ર ત્રણ મહિનામાં એક કરોડથી વધુ યુવાનોએ તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હું તમારા જેવા તમામ યુવાનોને કહીશ કે મેરા યુવા ભારત સંગઠનમાં તમારી નોંધણી જરૂરથી કરાવો. તમે MY GOVની મુલાકાત લઈને વિકસિત ભારતનાં નિર્માણ માટે પણ તમારાં સૂચનો આપી શકો છો. તમારાં સપનાં, તમારી ભાગીદારીથી જ સાકાર થશે. તમે વિકસિત ભારતના શિલ્પી છો. મને તમારામાં પૂરો વિશ્વાસ છે, દેશની યુવા પેઢીમાં પૂરો વિશ્વાસ છે. ફરી એકવાર, આ શાનદાર આયોજન માટે આપ ખૂબ ખૂબ અભિનંદનના હકદાર છો, હું તમને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું! મારી સાથે બોલો-
ભારત માતા કી જય
ભારત માતા કી જય
ભારત માતા કી જય
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.