PM Narendra Modi mann ki baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત થકી સંબોધન કર્યું, તેમના વક્તવ્યનો એક એક શબ્દ અહીં વાંચો…

PM Narendra Modi mann ki baat: મારા પરિવારજનો, ચંદ્રયાન-૩ની સફળતા પછી જી-૨૦ના શાનદાર આયોજને પ્રત્યેક ભારતીયની પ્રસન્નતાને બમણી કરી દીધી. ભારત મંડપમ્ તો પોતાની રીતે એક સેલિબ્રિટી જેવો થઈ ગયો છે. લોકો તેની સાથે સેલ્ફી પડાવે છે અને ગર્વ સાથે પૉસ્ટ પણ કરી રહ્યા છે. ભારતે આ શિખર પરિષદમાં આફ્રિકી સંઘને જી-૨૦માં પૂર્ણ સભ્ય બનાવીને પોતાના નેતૃત્વનો ડંકો વગાડ્યો છે.

by Zalak Parikh
PM Narendra modi on mann ki baat episode 105

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi mann ki baat:

મારા પ્રિય પરિવારજનો, નમસ્કાર. ‘મન કી બાત’ના વધુ એક એપિસૉડમાં મને આપ સહુ સાથે દેશની સફળતાને, દેશવાસીઓની સફળતાને, તેમની પ્રેરણાત્મક જીવનયાત્રાને, તમારી સાથે વહેંચવાનો અવસર મળ્યો છે. આ દિવસોમાં સહુથી વધુ પત્રો, સંદેશાઓ, જે મને મળ્યા છે તે બે વિષયો પર વધારે  છે. પહેલો વિષય છે, ચંદ્રયાન-3ના સફળ ઉતરાણનો અને બીજો વિષય છે દિલ્લીમાં જી-૨૦નું સફળ આયોજન. દેશના દરેક ભાગમાંથી, સમાજના દરેક વર્ગમાંથી, દરેક આયુના લોકોના, મને અગણિત પત્રો મળ્યા છે. જ્યારે ચંદ્રયાન-૩નું લૅન્ડર ચંદ્રમા પર ઉતરવાનું હતું ત્યારે કરોડો લોકો અલગ-અલગ માધ્યમો દ્વારા એક સાથે એ ઘટનાની પળેપળના સાક્ષી બની રહ્યા હતા. ઇસરોની યૂટ્યૂબ લાઇવ ચૅનલ પર ૮૦ લાખથી વધુ લોકોએ આ ઘટનાને જોઈ – તે પોતાની રીતે એક વિક્રમ છે. તેના પરથી ખબર પડે છે કે ચંદ્રયાન-૩ પ્રત્યે કરોડો ભારતીયોનો કેટલો ગાઢ લગાવ છે. ચંદ્રયાનની આ સફળતા પર દેશમાં આ દિવસોમાં એક ખૂબ જ શાનદાર પ્રશ્નોત્તરી સ્પર્ધા પણ ચાલી રહી છે અને તેને નામ આપવામાં આવ્યું છે- ‘ચંદ્રયાન ૩ મહા ક્વિઝ’. MyGov portal પર થઈ રહેલી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ લોકો ભાગ લઈ ચૂક્યા છે. MyGovની શરૂઆત પછી કોઈ પણ ક્વિઝમાં આ સૌથી મોટી સહભાગિતા છે. હું તમને પણ કહીશ કે જો તમે અત્યાર સુધી તેમાં ભાગ નથી લીધો તો હવે મોડું ન કરતા, હજુ તેમાં છ દિવસ બચ્યા છે. આ ક્વિઝમાં જરૂર ભાગ લો.

મારા પરિવારજનો, ચંદ્રયાન-૩ની સફળતા પછી જી-૨૦ના શાનદાર આયોજને પ્રત્યેક ભારતીયની પ્રસન્નતાને બમણી કરી દીધી. ભારત મંડપમ્ તો પોતાની રીતે એક સેલિબ્રિટી જેવો થઈ ગયો છે. લોકો તેની સાથે સેલ્ફી પડાવે છે અને ગર્વ સાથે પૉસ્ટ પણ કરી રહ્યા છે. ભારતે આ શિખર પરિષદમાં આફ્રિકી સંઘને જી-૨૦માં પૂર્ણ સભ્ય બનાવીને પોતાના નેતૃત્વનો ડંકો વગાડ્યો છે. તમારા ધ્યાનમાં હશે, જ્યારે ભારત ખૂબ જ સમૃદ્ધ હતું, તે જમાનામાં, આપણા દેશમાં, અને દુનિયામાં, સિલ્ક રૂટની ખૂબ જ ચર્ચા થતી હતી. આ સિલ્ક રૂટ વેપાર-કારોબારનું બહુ જ મોટું માધ્યમ હતો. હવે આધુનિક જમાનામાં, ભારતે એક બીજો આર્થિક કૉરિડૉર, જી-૨૦માં સૂચવ્યો છે. તે છે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકૉનૉમિક કૉરિડૉર. આ કૉરિડૉર આવનારાં સેંકડો વર્ષો સુધી વિશ્વ વેપારનો આધાર બનવા જઈ રહ્યો છે અને ઇતિહાસ એ વાતને હંમેશાં યાદ રાખશે કે આ કૉરિડૉરનો સૂત્રપાત ભારતની ધરતી પર થયો હતો.

સાથીઓ, જી-૨૦ દરમિયાન, જે રીતે ભારતની યુવાશક્તિ, આ આયોજન સાથે જોડાઈ, તેની આજે વિશેષ ચર્ચા આવશ્યક છે. આખું વર્ષ દેશની અનેક યુનિવર્સિટીઓમાં જી-૨૦ સાથે જોડાયેલા કાર્યક્રમો થયા. હવે આ શ્રૃંખલામાં દિલ્લીમાં એક વધુ રોમાંચક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે – ‘G-20 University Connect Programme’. આ કાર્યક્રમના માધ્યમથી દેશભરના લાખો યુનિવર્સિટી વિદ્યાર્થીઓ એકબીજા સાથે જોડાશે. તેમાં IIT, IIM, NIT અને મેડિકલ કૉલેજો જેવી અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ ભાગ લેશે. હું ઈચ્છીશ કે જો તમે કૉલેજ વિદ્યાર્થી હો તો ૨૬ સપ્ટેમ્બરે થનારા આ કાર્યક્રમને જરૂર જોજો, તેની સાથે જરૂર જોડાજો. ભારતના ભવિષ્યમાં, યુવાઓના ભવિષ્ય પર, તેમાં ઘણી રસપ્રદ વાતો થવાની છે.

હું પોતે પણ આ કાર્યક્રમમાં સહભાગી થઈશ. મને પણ મારા કૉલેજ સ્ટુડન્ટ સાથે સંવાદની પ્રતીક્ષા છે.

મારા પરિવારજનો, આજથી બે દિવસ પછી, ૨૭ સપ્ટેમ્બરે ‘વિશ્વ પર્યટન દિવસ’ છે. પર્યટનને કેટલાક લોકો માત્ર આનંદથી ફરવું માને છે, પરંતુ પર્યટનનું એક મોટું પાસું ‘રોજગાર’ સાથે જોડાયેલું છે. કહે છે કે સૌથી ઓછા મૂડીરોકાણમાં, સૌથી વધુ રોજગાર, જો કોઈ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો તે, પર્યટન ક્ષેત્ર જ છે. પર્યટન ક્ષેત્રને વધારવામાં, કોઈ પણ દેશ માટે સદભાવના, તેના પ્રત્યે આકર્ષણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. વિતેલાં કેટલાંક વર્ષોમાં ભારત પ્રત્યે આકર્ષણ ખૂબ જ વધ્યું છે અને જી-૨૦ના સફળ આયોજન પછી દુનિયાના લોકોનો રસ ભારતમાં ઘણો વધ્યો છે.

સાથીઓ, જી-૨૦માં એક લાખથી વધુ પ્રતિનિધિઓ ભારત આવ્યા. તેઓ અહીંની વિવિધતાઓ, અલગ-અલગ પરંપરાઓ, ભિન્નભિન્ન ખાણીપીણી અને આપણા વારસાથી પરિચિત થયા. અહીં આવેલા પ્રતિનિધિઓ પોતાની સાથે જે શાનદાર અનુભવ લઈને ગયા છે, તેનાથી પર્યટનનો વધુ વિસ્તાર થશે. તમને લોકોને ખબર જ હશે કે ભારતમાં એકથી એક ચડિયાતાં વિશ્વ વારસા સ્થાનો (વર્લ્ડ હેરિટેજ સાઇટ) છે અને તેની સંખ્યા સતત વધતી જઈ રહી છે. કેટલાક દિવસો પહેલાં, શાંતિ નિકેતન અને કર્ણાટકનાં પવિત્ર હોયસલા મંદિરોને વિશ્વ વારસા સ્થાનો જાહેર કરાયાં છે. હું આ શાનદાર ઉપલબ્ધિ માટે સમસ્ત દેશવાસીઓને અભિનંદન પાઠવું છું. મને વર્ષ ૨૦૧૮માં શાંતિ નિકેતનની યાત્રા કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. શાંતિનિકેતન સાથે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું જોડાણ રહ્યું છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનનો ધ્યેયમંત્ર સંસ્કૃતના એક પ્રાચીન શ્લોકથી લીધો હતો. તે શ્લોક છે-

“यत्र विश्वम भवत्येक नीडम्”

અર્થાત્, જ્યાં એક નાનકડા માળામાં સમગ્ર સંસાર સમાવિષ્ટ થઈ જાય છે. કર્ણાટકના જે હોયસલા મંદિરોને યુનેસ્કૉએ વિશ્વ વારસા સૂચિમાં સમાવ્યાં છે, તે, ૧૩મી શતાબ્દિનાં શ્રેષ્ઠ સ્થાપત્યો માટે પ્રસિદ્ધ છે. તે મંદિરોને યુનેસ્કૉ તરફથી માન્યતા મળવી, મંદિર નિર્માણની ભારતીય પરંપરાનું પણ સન્માન છે. ભારતમાં હવે વિશ્વ વારસાઈ સંપત્તિની કુલ સંખ્યા ૪૨ થઈ ગઈ છે. ભારતનો પ્રયાસ છે કે આપણાં વધુમાં વધુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થાનોને વિશ્વ વારસા સ્થાનોની માન્યતા મળે. મારો આપ સહુને અનુરોધ છે કે જ્યારે પણ તમે ક્યાંક ફરવા જવાની યોજના બનાવો તો એ પ્રયાસ કરો કે ભારતની વિવિધતાના દર્શન કરો. તમે અલગ-અલગ રાજ્યની સંસ્કૃતિને સમજો, હેરિટેજ સાઇટને જુઓ. તેનાથી, તમે પોતાના દેશના ગૌરવશાળી ઇતિહાસથી તો પરિચિત થશો જ, સ્થાનિક લોકોની આવક વધારવાનું મોટું માધ્યમ પણ બનશો.

મારા પરિવારજનો, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંગીત હવે વૈશ્વિક બની ચૂક્યું છે. દુનિયાભરના લોકોનો તેની સાથે લગાવ દિન-પ્રતિદિન વધતો જ જઈ રહ્યો છે. એક વ્હાલી દીકરી દ્વારા કરવામાં આવેલી એક પ્રસ્તુતિ, તેનો એક નાનકડો ઑડિયો તમને સંભળાવું છું.

### (MKB EP 105 AUDIO Byte 1)###

તેને સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત રહી ગયા ને ! કેટલો મધુર સ્વર છે અને દરેક શબ્દમાં જે ભાવ ઝળકે છે, ઈશ્વર પ્રત્યે તેનો લગાવ આપણે અનુભવી શકીએ છીએ. જો હું એમ કહું કે આ સૂરીલો અવાજ જર્મનીની એક દીકરીનો છે તો કદાચ તમે વધુ આશ્ચર્યમાં પડી જશો. આ દીકરીનું નામ – કૈસમી છે. ૨૧ વર્ષની કૈસમી આ દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ છવાયેલી છે. જર્મનીની રહેવાસી કૈસમી ક્યારેય ભારત નથી આવી, પરંતુ તે ભારતીય સંગીત પાછળ ઘેલી છે.

જેણે ક્યારેય ભારત જોયું પણ નથી, તેની ભારતીય સંગીતમાં આ રૂચિ, ખૂબ જ પ્રેરણાદાયક છે. કૈસમી જન્મથી જ જોઈ શકતી નથી, પરંતુ આ મુશ્કેલ પડકાર તેને અસાધારણ ઉપલબ્ધિઓથી રોકી શકી નથી. સંગીત અને સર્જનાત્મકતા અંગે તેની લગન કંઈક એવી હતી કે બાળપણથી જ તેણે ગાવાનું શરૂ કરી દીધું. આફ્રિકન ડ્રમિંગની શરૂઆત તો તેણે માત્ર ત્રણ વર્ષની આયુમાં જ કરી દીધી હતી. ભારતીય સંગીતનો પરિચય તેને પાંચ-છ વર્ષ પહેલાં જ થયો હતો. ભારતના સંગીતે તેને એટલું મોહી લીધું, એટલું મોહી લીધું કે તે તેમાં પૂરી રીતે મગ્ન થઈ ગઈ. તેણે તબલા વગાડવાનું પણ શીખ્યું છે. સૌથી પ્રેરણાદાયક વાત તો એ છે કે તે અનેક ભારતીય ભાષામાં ગાવાની નિપુણતા પ્રાપ્ત કરી ચૂકી છે. સંસ્કૃત, હિન્દી, મલયાલમ, તમિલ, કન્નડ કે પછી અસમી, બંગાળી, મરાઠી, ઉર્દૂ તે બધામાં તેણે સૂર સાધ્યા છે. તમે વિચારી શકો કે કોઈને બીજી અજાણી ભાષાની બે-ત્રણ લીટી બોલવી પડે તો કેટલી મુશ્કેલી આવે છે, પરંતુ કૈસમી માટે જાણે કે, ડાબા હાથનો ખેલ છે. તમારા બધા માટે અહીં, કન્નડમાં ગાયેલા તેના એક ગીતને પ્રસ્તુત કરું છું.

   

ભારતીય સંસ્કૃતિ અને સંગીત અંગે જર્મનીની કૈસમીની આ લગનની હું અંતઃકરણથી પ્રશંસા કરું છું. તેનો આ પ્રયાસ દરેક ભારતીયને પ્રભાવિત કરનારો છે.

મારા પરિવારજનો, આપણા દેશમાં શિક્ષણને હંમેશાં એક સેવાના રૂપમાં જોવામાં આવે છે. મને ઉત્તરાખંડના કેટલાક એવા યુવાનો વિશે જાણવા મળ્યું છે,

જે, આ ભાવના સાથે બાળકોના શિક્ષણ માટે કામ કરી રહ્યા છે. નૈનીતાલ જિલ્લાના કેટલાક યુવાનોએ બાળકો માટે અનોખી ઘોડા લાઇબ્રેરી શરૂ કરી છે. આ લાઇબ્રેરીની સૌથી મોટી વિશેષતા એ છે કે દુર્ગમમાં દુર્ગમ વિસ્તારોમાં પણ તેના દ્વારા બાળકો સુધી પુસ્તકો પહોંચી રહ્યાં છે અને એટલું જ નહીં, આ સેવા, બિલકુલ નિઃશુલ્ક છે. અત્યાર સુધી તેના માધ્યમથી નૈનીતાલનાં ૧૨ ગામોને આવરી લેવાયાં છે. બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા આ ભલા કામમાં મદદ કરવા માટે સ્થાનિક લોકો પણ આગળ આવી રહ્યા છે. આ ઘોડા લાઇબ્રેરી દ્વારા એ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે અંતરિયાળ ગામોમાં રહેનારાં બાળકોને શાળાનાં પુસ્તકો ઉપરાંત, ‘કવિતાઓ’, ‘વાર્તાઓ’ અને ‘નૈતિક શિક્ષણ’નાં પુસ્તકો પણ વાંચવાનો પૂરો અવસર મળે. આ અનોખી લાઇબ્રેરી બાળકોને પણ ખૂબ જ પસંદ પડી રહી છે.

સાથીઓ, મને હૈદરાબાદમાં લાઇબ્રેરી સાથે જોડાયેલા આવા જ એક અનોખા પ્રયાસ વિશે જાણવા મળ્યું છે. અહીં, સાતમા ધોરણમાં ભણનારી દીકરી ‘આકર્ષણા સતીશ’એ તો કમાલ જ કરી દીધો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર ૧૧ વર્ષની આયુમાં તે બાળકો માટે એક-બે નહીં, સાત-સાત લાઇબ્રેરી ચલાવી રહી છે. ‘આકર્ષણા’ને બે વર્ષ પહેલાં તેની પ્રેરણા, તે જ્યારે તેનાં માતાપિતા સાથે, એક કેન્સર હૉસ્પિટલ ગઈ હતી, ત્યારે મળી. તેના પિતા જરૂરિયાતવાળા લોકોની મદદ માટે ત્યાં ગયા હતા. બાળકોએ ત્યાં તેમની પાસે ‘colouring books’ની માગણી કરી અને આ વાત, આ વ્હાલી ઢીંગલીને એટલી સ્પર્શી ગઈ કે તેણે અલગ-અલગ પ્રકારનાં પુસ્તકો ભેગાં કરવાનો નિશ્ચય કર્યો. તેણે પોતાનાં, અડોશપડોશનાં ઘરો, સગાંસંબંધીઓ અને સાથીઓ પાસેથી પુસ્તકો એકઠાં કરવાનું શરૂ કરી દીધું અને તમને એ જાણીને આનંદ થશે કે પહેલી લાઇબ્રેરી તે કેન્સર હૉસ્પિટલમાં જ બાળકો માટે ખોલવામાં આવી. જરૂરિયાતવાળાં બાળકો માટે અલગ-અલગ સ્થાનો પર આ

દીકરીએ અત્યાર સુધીમાં જે સાત લાઇબ્રેરી ખોલી છે, તેમાં હવે લગભગ છ હજાર પુસ્તકો ઉપલબ્ધ છે. નાનકડી ‘આકર્ષણા’ જે રીતે બાળકોનું ભવિષ્ય સુધારવાનું મોટું કામ કરી રહી છે, તે દરેક વ્યક્તિને પ્રેરણા આપનારું છે.

સાથીઓ, એ વાત સાચી છે કે આજનો સમય ડિજિટલ ટૅક્નૉલૉજી અને ઇ-બુક્સનો છે, તેમ છતાં આ પુસ્તકો, આપણા જીવનમાં એક સારા મિત્રની ભૂમિકા નિભાવે છે. આથી, આપણે બાળકોને પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરવા જોઈએ.

મારા પરિવારજનો, આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે –

        जीवेषु करुणा चापि, मैत्री तेषु विधीयताम् |

અર્થાત્, જીવો પર કરુણા કરો અને તેમને પોતાના મિત્રો બનાવો. આપણે ત્યાં મોટા ભાગનાં દેવી-દેવતાઓની સવારી જ પશુ-પક્ષી છે. ઘણા લોકો મંદિરે જાય છે, ભગવાનના દર્શન કરે છે, પરંતુ જે જીવ-જંતુ તેમની સવારી હોય છે તે તરફ, એટલું ધ્યાન આપતા નથી. આ જીવ-જંતુ આપણી આસ્થાના કેન્દ્રમાં તો રહેવાં જ જોઈએ, આપણે તેનું યથા સંભવ સંરક્ષણ પણ કરવું જોઈએ. વિતેલાં કેટલાંક વર્ષોમાં, દેશમાં, સિંહ, વાઘ, દીપડા અને હાથીઓની સંખ્યામાં ઉત્સાહવર્ધક વૃદ્ધિ જોવા મળી છે. અનેક બીજા પ્રયાસો પણ નિરંતર ચાલુ છે, જેથી આ ધરતી પર રહેતા બીજા જીવજંતુઓને બચાવી શકાય. આવો જ એક અનોખો પ્રયાસ રાજસ્થાનના પુષ્કરમાં પણ કરવામાં આવી રહ્યો છે. અહીં, સુખદેવ ભટ્ટ જી અને તેમની ટીમ મળીને વન્ય જીવોને બચાવવામાં લાગેલી છે. અને જાણો છો કે તેમની ટીમનું નામ શું છે? તેમની ટીમનું નામ છે – કોબ્રા. આ ખતરનાક નામ એટલા માટે છે કારણકે તેમની ટીમ આ ક્ષેત્રમાં ખતરનાક સાપોને બચાવવાનું કામ પણ કરે છે. આ ટીમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે,

જે માત્ર એક કૉલ પર ઘટનાસ્થળ પર પહોંચી જાય છે અને પોતાના મિશનમાં લાગી જાય છે. સુખદેવજીની આ ટીમે અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધુ ઝેરીલા સાપોનું જીવન બચાવ્યું છે. આ પ્રયાસથી એક તરફ લોકોનું જોખમ દૂર થયું છે, તો બીજી તરફ, પ્રકૃતિનું સંરક્ષણ પણ થઈ રહ્યું છે. આ ટીમ અન્ય બીમાર જાનવરોની સેવાના કામમાં પણ જોડાયેલી છે.

સાથીઓ, તમિલનાડુના ચેન્નાઈમાં ઑટો ડ્રાઇવર એમ. રાજેન્દ્ર પ્રસાદ જી પણ એક અનોખું કામ કરી રહ્યા છે. તેઓ છેલ્લાં ૨૫-૩૦ વર્ષથી કબૂતરોની સેવાના કામમાં લાગેલા છે. તેમના પોતાના જ ઘરમાં ૨૦૦થી વધુ કબૂતર છે. ત્યાં પક્ષીઓનાં ભોજન, પાણી, સ્વાસ્થ્ય જેવી દરેક આવશ્યકતાનું પૂરું ધ્યાન રાખે છે. તેના પર તેમના ઘણા રૂપિયા પણ ખર્ચાય છે, પરંતુ તેઓ પોતાના કામમાં મક્કમ છે. સાથીઓ, લોકોને શુભ આશયથી આવું કામ કરતા જોઈને, ખરેખર, ખૂબ જ શાંતિ મળે છે, ઘણી પ્રસન્નતા થાય છે. જો તમને પણ આવા કેટલાક સારા પ્રયાસો વિશે જાણકારી મળે તો તેને જરૂર વહેંચજો.

મારા પ્રિય પરિવારજનો, સ્વતંત્રતાનો આ અમૃતકાળ, દેશ માટે પ્રત્યેક નાગરિકનો કર્તવ્યકાળ પણ છે. પોતાનું કર્તવ્ય નિભાવતા જ આપણે આપણાં લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ, પોતાના મુકામ સુધી પહોંચી શકીએ છીએ. કર્તવ્યની ભાવના, આપણને બધાને એક સૂત્રમાં બાંધે છે. ઉત્તર પ્રદેશના સમ્ભલમાં, દેશે કર્તવ્ય ભાવનાનું એક એવું ઉદાહરણ જોયું છે જેને હું તમારી સાથે વહેંચવા માગું છું. તમે વિચારો, ૭૦થી વધુ ગામ હોય, હજારોની વસતિ હોય અને બધા લોકો મળીને, એક લક્ષ્ય, એક ધ્યેયની પ્રાપ્તિ માટે સાથે આવી જાય, જોડાઈ જાય, આવું ઓછું જ થાય છે, પરંતુ સમ્ભલમાં લોકોએ આ કરીને દેખાડ્યું. આ લોકોએ મળીને જન ભાગીદારી અને સામૂહિકતાનું ખૂબ જ શાનદાર ઉદાહરણ સ્થાપ્યું છે. હકીકતે, આ ક્ષેત્રમાં દાયકાઓ પહેલાં, ‘સોત’ નામની એક નદી હતી.

અમરોહાથી શરૂ કરીને સમ્ભલ થઈને બદાયૂં સુધી વહેનારી આ નદી એક સમયે આ ક્ષેત્રમાં જીવનદાયિનીના રૂપમાં ઓળખાતી હતી. આ નદીમાં અવિરત જળ પ્રવાહિત થતું રહેતું હતું, જે અહીંના ખેડૂતો માટે ખેતીનો મુખ્ય આધાર હતું. સમય સાથે નદીનો પ્રવાહ ઓછો થયો, નદી જે રસ્તે વહેતી હતી, ત્યાં અતિક્રમણ થઈ ગયું અને આ નદી વિલુપ્ત થઈ ગઈ. નદીને માતા માનનારા આપણા દેશમાં, સમ્ભલના લોકોએ આ સોત નદીને પણ પુનર્જીવિત કરવાનો સંકલ્પ કર્યો. ગત વર્ષે ડિસેમ્બરમાં સોત નદીના કાયાકલ્પનું કામ ૭૦થી વધુ ગ્રામ પંચાયતોએ મળીને શરૂ કર્યું. ગ્રામ પંચાયતના લોકોએ સરકારી વિભાગોને પણ પોતાની સાથે લીધા. તમને જાણીને આનંદ થશે કે વર્ષના પહેલા છ મહિનામાં જ આ લોકો નદીના ૧૦૦ કિલોમીટરથી વધુ રસ્તાનો પુનરોદ્ધાર કરી ચૂક્યા છે. જ્યારે વરસાદની ઋતુ શરૂ થઈ તો ત્યાંના લોકોની મહેનત રંગ લાવી અને સોત નદી, પાણીથી, ભરપૂર ભરાઈ ગઈ. અહીંના ખેડૂતો માટે આ આનંદનો એક મોટો અવસર બનીને આવ્યો છે. લોકોએ નદીના કિનારે વાંસના ૧૦ હજારથી પણ વધુ ઝાડ વાવ્યાં છે, જેથી તેના કિનારા પૂરી રીતે સુરક્ષિત રહે. નદીના પાણીમાં ત્રીસ હજારથી વધુ ગમ્બૂસિયા માછલીઓને પણ છોડવામાં આવી છે જેથી મચ્છર ન થાય. સાથીઓ, સોત નદીનું ઉદાહરણ આપણને બતાવે છે કે જો આપણે નિશ્ચય કરી લઈએ તો મોટામાં મોટા પડકારને પાર કરીને એક મોટું પરિવર્તન લાવી શકીએ છીએ. તમે પણ કર્તવ્ય પથ પર ચાલીને તમારી આસપાસ આવાં ઘણાં પરિવર્તનોનું માધ્યમ બની શકો છો.

 

        મારા પરિવારજનો, જ્યારે આશય અટલ હોય અને કંઈક શીખવાની લગન હોય તો, કોઈ કામ, મુશ્કેલ રહેતું નથી. પશ્ચિમ બંગાળનાં શ્રીમતી શકુંતલા સરદારે આ વાતને એકદમ સાચી સાબિત કરીને બતાવી છે.

 

 

આજે તેઓ અનેક બીજી મહિલાઓ માટે પ્રેરણા બની ગયાં છે. શકંતુલાજી જંગલ મહલના શાતનાલા ગામનાં રહેવાસી છે. લાંબા સમય સુધી તેમનો પરિવાર પ્રતિ દિન મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. તેમના પરિવાર માટે ઘર ચલાવવું મુશ્કેલ હતું. પછી તેમણે એક નવા માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો અને સફળતા પ્રાપ્ત કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. તમારે એ જરૂર જાણવું હશે કે તેમણે આ કમાલ કેવી રીતે કર્યો. તેનો ઉત્તર છે – એક સીવણ મશીન. એક સીવણ મશીન દ્વારા તેમણે ‘સાલ’નાં પાંદડાઓ પર સુંદર ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું. તેમના આ કૌશલ્યએ પૂરા પરિવારના જીવનને બદલી નાખ્યું. તેમના બનાવેલા આ અદ્ભુત ક્રાફ્ટની માગ સતત વધતી જઈ રહી છે. શકુંતલાજીએ આ કૌશલ્યથી, ન માત્ર પોતાનું, પરંતુ ‘સાલ’નાં પાંદડાઓને એકઠાં કરનારા અનેક લોકોનું જીવન પણ બદલી નાખ્યું છે. હવે તેઓ અનેક મહિલાઓને પ્રશિક્ષણ દેવાનું કામ પણ કરી રહ્યાં છે. તમે વિચારી શકો કે એક પરિવાર, જે ક્યારેક, મજૂરી પર નિર્ભર હતો, તે હવે બીજાને રોજગાર માટે પ્રેરિત કરી રહ્યો છે. તેમણે રોજની મજૂરી પર નિર્ભર રહેતા પોતાના પરિવારને પોતાના પગ પર ઊભો કરી દીધો છે. તેનાથી તેમના પરિવારને અન્ય ચીજો પર ધ્યાન આપવાનો અવસર મળ્યો છે. એક બીજી વાત થઈ છે, જેવી શકુંતલા જીની સ્થિતિ કંઈક ઠીક થઈ, તો તેમણે બચત કરવાનું પણ શરૂ કરી દીધું છે. હવે તેઓ જીવન વીમા યોજનાઓમાં નિવેશ કરવા લાગ્યાં છે, જેથી પોતાનાં બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ હોય. શકુંતલાજીની લગન માટે તેમની જેટલી પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે. ભારતના લોકો આવી જ પ્રતિભાઓથી ભરપૂર હોય છે- તમે તેમને અવસર આપો અને જુઓ, તેઓ શું – શું કમાલ કરી દેખાડે છે.

 મારા પરિવારજનો, દિલ્લીમાં જી-૨૦ શિખર પરિષદ દરમિયાન એ દૃશ્યને કોણ ભૂલી શકે છે, જ્યારે અનેક વિશ્વ નેતાઓ બાપુને શ્રદ્ધાસુમન અર્પિત કરવા

એક સાથે રાજઘાટ પહોંચ્યા હતા. તે એ વાતનું એક મોટું પ્રમાણ છે કે દુનિયાભરમાં બાપુના વિચાર આજે પણ કેટલા પ્રાસંગિક છે. મને એ વાતનો પણ આનંદ છે કે ગાંધી જયંતી અંગે પૂરા દેશમાં સ્વચ્છતા સાથે સંબંધિત ઘણા બધા કાર્યક્રમોની યોજના કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનાં બધાં કાર્યાલયોમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ ખૂબ જ જોરશોરથી ચાલુ છે. Indian Swachhata League માં પણ ઘણી સારી ભાગીદારી જોવા મળી રહી છે. આજે હું ‘મન કી બાત’ના માધ્યમથી બધા દેશવાસીઓને એક અનુરોધ કરવા માગું છું- ૧ ઑક્ટોબર અર્થાત્ રવિવારની સવારે દસ વાગે સ્વચ્છતા પર એક મોટું આયોજન થવા જઈ રહ્યું છે. તમે પણ તમારો સમય કાઢીને સ્વચ્છતા સાથે જોડાયેલા આ અભિયાનમાં તમારો સહકાર આપો. તમે તમારી ગલી, આડોશ-પડોશ, પાર્ક, નદી, સરોવર કે પછી બીજા કોઈ સાર્વજનિક સ્થળ પર આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાઈ શકો છો અને જ્યાં-જ્યાં અમૃત સરોવર બન્યાં છે ત્યાં તો સ્વચ્છતા અવશ્ય કરવાની છે. સ્વચ્છતાની આ કાર્યાંજલી જ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલી હશે. હું તમને ફરીથી યાદ અપાવીશ કે આ ગાંધી જયંતિના અવસરે ખાદીનું કોઈ ને કોઈ ઉત્પાદન જરૂર ખરીદો.

મારા પરિવારજનો, આપણા દેશમાં ત્યોહારોની ઋતુ પણ શરૂ થઈ ચૂકી છે. તમારા બધાનાં ઘરમાં પણ કંઈ નવું ખરીદવાની યોજના બની રહી હશે. કોઈ એ પ્રતીક્ષામાં હશે કે નવરાત્રિના સમયે તેઓ પોતાનું શુભ કામ શરૂ કરશે. ઉમંગ, ઉત્સાહના આ વાતાવરણમાં તમે Vocal For Local નો મંત્ર પણ જરૂર યાદ રાખજો. જ્યાં સુધી સંભવ હોય, તમે, ભારતમાં બનેલાં સામાનની ખરીદી કરો, ભારતીય ઉત્પાદનોનો ઉપયોગ કરો અને Made In India સામાનનો જ ઉપહાર આપો. તમારી નાનકડી ખુશી, બીજા કોઈના પરિવારની ખૂબ જ મોટી ખુશીનું કારણ બનશે. તમે, જે ભારતીય સામાન ખરીદશો, તેનો સીધો ફાયદો, આપણા શ્રમિકો, કામદારો, શિલ્પકારો અને અન્ય વિશ્વકર્મા ભાઈઓ-બહેનોને મળશે.

આજકાલ તો ઘણાં બધાં સ્ટાર્ટ અપ પણ સ્થાનિક પ્રૉડક્ટને ઉત્તેજન આપી રહ્યાં છે. તમે સ્થાનિક ચીજો ખરીદશો તો સ્ટાર્ટ અપના આ યુવાનોને પણ ફાયદો થશે.

મારા પ્રિય પરિવારજનો, ‘મન કી બાત’માં આજે બસ, આટલું જ. હવે પછી જ્યારે ‘મન કી બાત’માં તમને મળીશ તો નવરાત્રિ અને દશેરા વિતી ચૂક્યાં હશે. તહેવારોની આ ઋતુમાં તમે પણ પૂરા ઉત્સાહથી પ્રત્યેક પર્વ મનાવો, તમારા પરિવારમાં ખુશી રહે, મારી આ જ કામના છે. આ પર્વોની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારી સાથે ફરી મુલાકાત થશે, બીજા પણ કેટલાક નવા વિષયો સાથે, દેશવાસીઓની નવી સફળતાઓની સાથે. તમે, તમારો સંદેશ મને જરૂર મોકલતા રહો, પોતાના અનુભવો શૅર કરવાનું ન ભૂલતા. હું પ્રતીક્ષા કરીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

આ સમાચાર પણ વાંચો : Chandrayaan-3 : પ્રજ્ઞાન અને વિક્રમ સાથે હજુ સુધી ન થયો સંપર્ક.. જાણો ન જાગવાનું શું કારણ? ફરી એક્ટિવ ન થયા તો શું થશે?

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More