ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧
મંગળવાર
કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના કોવિડ મૅનેજમેન્ટ અંગે 'શ્વેતપત્ર' બહાર પડ્યો છે અને કહ્યું છે કે એનો હેતુ દેશને કોરોના વાયરસની ત્રીજા લહેર માટે તૈયાર કરવામાં મદદ કરવાનો છે. તેમણે એક મીડિયા હાઉસને કહ્યું કે આખો દેશ જાણે છે કે કોવિડ-19ની ત્રીજી લહેર આવી રહી છે, અમે સરકારને વિનંતી કરીએ કે એ માટે તૈયાર રહે.
રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકારે ઝડપી રસીકરણ અભિયાન ચલાવીને 100% રસીકરણનું લક્ષ્ય પૂર્ણ કરવું જોઈએ. નિષ્ણાતો સાથે વાત કર્યા પછી અમે આ રિપૉર્ટ તૈયાર કર્યો છે. એનો હેતુ રસ્તો બતાવવાનો છે. શ્વેતપત્રનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે એનાં ચાર પાસાં છે. 1. અછત ક્યાં છે, એ જાણવું જોઈએ. 2. ત્રીજી લહેર માટે ઑક્સિજન, બેડ્સ, દવાઓ તૈયાર કરવી. 3. કોરોનાની આર્થિક-સામાજિક અસર વિશે વાત કરવી. સરકારે ગરીબ લોકો, નાના ઉદ્યોગપતિઓને આર્થિક મદદ કરવી જોઈએ. 4. કોરોના ભંડોળ બનાવવું જોઈએ અને જેના ઘરમાં મૃત્યુ થયું હોય તેઓને મદદ કરવી જોઈએ.
ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર વચ્ચે ભેદભાવ રાખવો જોઈએ નહિ અને રસીને બધાં રાજ્યોમાં સમાનરૂપે ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે મનમોહનસિંહે સૂચન આપ્યું હતું ત્યારે તેની મજાક ઉડાડવામાં આવી હતી, પાછળથી એ જ પગલાં લેવામાં આવ્યાં હતાં. કામ બંધ મનથી નહીં, પણ ખુલ્લા મનથી કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદી પર નિશાન સાધતાં રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે વડા પ્રધાનના આંસુથી નહીં, પણ ઑક્સિજનથી જીવન બચાવી શકત, આશરે ૯૦% લોકો ઑક્સિજનની અછતને કારણે મૃત્યુ પામ્યા હતા.