ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર.
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કરીને ગુજરાત સરકાર પર કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં મોટો ગોટાળો છે એવા આક્ષેપો કર્યા છે, સાથે જ તેમણે કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાત સરકારની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. કોરોનાથી થયેલાં મોત અને એના આંકડાઓને લઈને ગુજરાતમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતને બદનામ કરવા માટે ખોટા આંકડા રજૂ કરી રહી છે. કોંગ્રેસ ખોટા આંકડા આપવાનું બંધ કરે. સુપ્રીમકોર્ટના નિર્દેશો પ્રમાણે સહાય આપવામાં આવશે. રાહુલ ગાંધીએ સરકાર પર કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો છુપાવવાનો મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું હતું કે ગુજરાતમાં સરકારી ચોપડે નોંધાયેલો કોરોનાના મૃતકોનો આંકડો ૧૦,૦૦૦ છે અને તેઓ સહાય પણ આ ૧૦ હજાર પરિવારોને આપવાના છે. કોંગ્રેસ કાર્યકરો દ્વારા થયેલા સર્વે અનુસાર ૧૦ હાજરનો આંકડો ખોટો છે અને ગુજરાતમાં કોરોનાથી ૩,૦૦,૦૦નાં મોત થયાં છે. રાહુલ ગાંધીએ પોતાના વીડિયોમાં એ પણ ઘટસ્ફોટ કર્યો છે કે કોરોનાથી મૃત્યુ થયેલા લોકોના ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના નહીં, પરંતુ પેનિક અટેક દર્શાવાયું છે, જેથી કરીને તેમના પરિવારોને હવે સહાય મળી નહીં શકે અને સરકાર સહાય પણ ૫૦ હજાર આપવાની છે ત્યારે મૃતકનાં પરિવારજનોએ કહ્યું હતું કે હોસ્પિટલનું બિલ જ ૨-૩ લાખ રૂપિયા આવ્યું હતું, ૫૦ હજારથી કશું થશે નહીં.
રાહુલ ગાંધીએ વીડિયોમાં કહ્યું હતું કે બીજી લહેર દરમિયાન ગુજરાતની હોસ્પિટલોમાં દરેક મેડિકલ જરૂરિયાતોની અછત હતી. જે પણ હોસ્પિટલોમાં જઈએ ત્યાં નો બેડ, નો ઓક્સિજન અને નો વેન્ટિલેટરની સ્થિતિ હતી. ગુજરાત સરકાર મેડિકલ સેવા બાબતે નિષ્ફળ સાબિત થયું છે. જ્યારે સરકારે હોસ્પિટલોમાં જનતાની મદદ કરવાની હતી ત્યારે તેઓ ત્યાં નહોતા અને હવે સહાય આપવાની વાત આવી ત્યારે સરકાર મદદ નથી કરતી. રાહુલ ગાંધીએ મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે સરકાર પાસે ઁસ્ના હવાઈ જહાજ ખરીદવા માટે ૮૪૫૮ કરોડ રૂપિયા છે, પરંતુ મૃતકોનાં પરિવારજનોને સહાય આપવા બાબતે કોઈ બજેટ નથી, સાથે કેટલાક ઉદ્યોગપતિઓ પર નિશાન સાધી કહ્યું હતું કે સરકારે કોરોનામાં જરૂરિયાતોને મદદ ન કરી, પરંતુ ઉદ્યોગપતિઓના ટેક્સમાં ઘટાડો કરી તેમની ખૂબ જ મદદ કરી હતી.
કોંગ્રેસે સરકાર પાસેથી કોરોનાથી થયેલાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને ૫૦ હજારની બદલે ૪ લાખ રૂપિયા સહાય આપવાની માગ કરી છે અને એના માટે કોંગ્રેસે કમ્પેન પણ શરૂ કર્યું છે.