ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગ્સ પકડવાની ઘટનાઓમાં ભયાનક રીતે વધારો થયો છે. વિદેશથી વિવિધ માર્ગો દ્વારા આ નશીલી દવાઓ ભારતમાં ઘૂસાડવામાં આવે છે, પરંતુ ભારતીય એજન્સીઓની સતર્કતાને કારણે આ નશીલી દવાઓ પકડવામાં સફળતા મળે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દેશમાંથી પકડાયેલા ડ્રગ્સના પ્રમાણમાં મોટો ઉછાળો નોંધાયો છે.
NCBના ડિરેક્ટર જનરલ એસ એન પ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે, ડ્રગની હેરફેર માટે ડાર્કનેટ અને મેરિટાઇમ રૂટ પસંદગીના માધ્યમ બન્યા છે. ૨૦૧૭માં ૨,૫૫૧ અને ૨૦૨૧માં ૪,૩૮૬ કિલો અફીણ જપ્ત કર્યું હતું, જે ૧૭૨%નો વધારો દર્શાવે છે. એવી જ રીતે, ૨૦૧૭માં ૩,૫૭,૫૩૯ કિલો અને ૨૦૨૧માં ૬,૭૫,૬૩૧ કિલો ગાંજાે જપ્ત કરાયો હતો, જે ૧૯૧%નો વધારો દર્શાવે છે.
ડ્રગ ટ્રાફિકિંગનો સામનો કરવાના હેતુથી શરૂ કરાયેલા આ કાર્યક્રમમાં પ્રધાને કહ્યું કે, ડ્રગ્સની હેરાફેરી માટે ઈન્ટરનેટ પર ડાર્કનેટનો ઉપયોગ કરાય છે. ડાર્કનેટ ઈન્ટરનેટ પરનું એક છુપું માધ્યમ છે, જેનું એક્સેસ ફક્ત ચોક્કસ પ્રકારના સોફ્ટવેર થકી જ મેળવી શકાય છે. તેમાં અગાઉથી તૈયાર કરાયેલા નેટવર્કમાં છુપાઈને સંવાદ કરી શકાય છે. કાયદાનો અમલ કરાવતી એજન્સીઓથી બચવા માટે ડ્રગ્સની હેરાફેરી કરનારા લોકો તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે.