ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
ભારતમાં કોરોનાનું સંકટ ઓસરી ગયું છે. અહીંનું જીવન પૂર્વવત થઇ રહ્યું છે, પરંતુ એવા ઘણા દેશો છે જ્યાં કોરોનાનો પ્રકોપ કાયમ છે. તેથી આ દેશોમાંથી ભારત આવનારા નાગરિકોએ કોરોના નિયમોનું કઠોર પણે પાલન કરવું પડશે. તેવો કડક આદેશ આપવામાં આવ્યો છે. ગઈકાલે કેન્દ્ર સરકારે ભારતમાં આવનારા પરદેશી પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. તે મુજબ ભારતમાં પ્રવેશનાર દરેક પ્રવાસીએ આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દાખવવો ફરજીયાત રહેશે.
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટી ગઇ છે, પરંતુ મહામારી પૂર્ણપણે સમાપ્ત થઈ નથી. તેથી સરકાર દ્વારા પૂર્ણ કાળજી રાખીને જ લોકડાઉન શિથિલ કરવામાં આવી રહ્યું છે. તે સંદર્ભે બુધવારે નવી માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી છે. પરદેશી પ્રવાસીઓએ ભારતમાં એન્ટ્રી કરતી વખતે 72 કલાક પહેલાંનો આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે. સાથે જ તે રિપોર્ટ સાચો હોવાનો પુરાવો પણ આપવો પડશે.
સરકારે કોરોના સંક્રમણની દ્રષ્ટિએ જોખમકારક એવા દેશોની યાદી તૈયાર કરી છે. જેમાં યુરોપના દેશ, ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરિશસ, ન્યૂઝીલેન્ડ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે.