News Continuous Bureau | Mumbai
ગુજરાતના જામનગર ખાતેના વનતારા વન્યજીવ કેન્દ્રને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટું નિવેદન આપ્યું છે. કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ તમામ નિયમોનું પાલન કરીને હાથી રાખવા માંગે તો તેમાં કશું ખોટું નથી. સોમવારે (15 સપ્ટેમ્બર, 2025) આ કેસની સુનાવણી પૂર્ણ થઈ, જોકે કોર્ટે હજુ સુધી કોઈ અંતિમ આદેશ પસાર કર્યો નથી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે વનતારા સામેના ગેરકાયદેસર વન્યજીવ હસ્તાંતરણ અને હાથીઓની ગેરકાયદેસર કેદના આરોપોની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં SITનો રિપોર્ટ રજૂ થયો
આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) નો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ SITમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ જે. ચેલમેશ્વર, ઉત્તરાખંડ અને તેલંગાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રાઘવેન્દ્ર ચૌહાણ, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરાલે અને વરિષ્ઠ આઈઆરએસ અધિકારી અનીશ ગુપ્તાનો સમાવેશ થાય છે. SITએ ટૂંકા ગાળામાં રિપોર્ટ રજૂ કરવા બદલ કોર્ટે જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ પ્રસન્ના વરાલેની ખંડપીઠે ટીમના વખાણ કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
રિપોર્ટ સાર્વજનિક ન કરવા વનતારાની અપીલ
વનતારા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટને અપીલ કરી હતી કે સમગ્ર રિપોર્ટને સાર્વજનિક ન કરવો જોઈએ. તેમણે દલીલ કરી હતી કે વિશ્વમાં ઘણા લોકો વનતારા સાથે વ્યવસાયિક હરીફાઈ ધરાવે છે અને આ રિપોર્ટનો દુરુપયોગ કરી શકે છે. આના પર જસ્ટિસ મિથલે ખાતરી આપી કે કોર્ટ આવું થવા દેશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે રિપોર્ટની એક નકલ વનતારાને આપવામાં આવશે જેથી જ્યાં સુધારાની જરૂર હોય ત્યાં તે કરી શકે. વકીલ સાલ્વેએ ખાતરી આપી કે વનતારા જરૂરી પગલાં ભરશે.
અદાલતે અરજદારને પૂછ્યું, ‘તમને કેવી રીતે ખબર?’
સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે SITની રિપોર્ટ આવી ચૂકી છે અને તે અમારા દ્વારા નક્કી કરાયેલા પ્રશ્નો પર આધારિત છે. તેથી, હવે કોઈને પણ વારંવાર એક જ સવાલ પૂછવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જ્યારે અરજદારે મંદિરોના હાથીઓનો મુદ્દો ઉઠાવ્યો, ત્યારે ખંડપીઠે તેમને પૂછ્યું, ‘તમને કેવી રીતે ખબર કે ત્યાં મંદિરના હાથીઓને સારી રીતે રાખવામાં આવતા નથી?’ કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, આપણા દેશમાં ઘણી એવી વસ્તુઓ છે જેના પર આપણે ગર્વ કરી શકીએ છીએ, તેમને બિનજરૂરી વિવાદોમાં ના ઢસડવી જોઈએ. કોર્ટે ફરી એકવાર ટિપ્પણી કરી કે જો કોઈ નિયમોનું સંપૂર્ણ પાલન કરીને હાથી રાખવા માંગે તો તેમાં શું ખોટું છે.