ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
દેશના મોટાભાગનાં શહેરોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લાં બે અઠવાડિયાંમાં પૉઝિટિવ દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. નવા કેસોની સંખ્યામાં શહેરી વિસ્તારોમાં 62 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 46 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં સર્વાધિક એક લાખની ઉપર ઍક્ટિવ કેસ ધરાવતાં15 શહેરોમાં દર્દીઓની સંખ્યા ઘટીને 40,000 થઈ ગઈ છે.
ગ્રામીણ વસતી ધરાવતા જિલ્લાઓમાં આ જ વલણ જોવા મળ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં જ્યાં દૈનિક 15,000 નવા દર્દીઓ આવતા હતા, હવે ત્યાં સરેરાશ માત્ર નવા 800 દર્દીઓ જોવા મળે છે. છેલ્લા સાત દિવસમાં નવા દર્દીઓની સંખ્યામાં 3.82 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે મૃત્યુઆંક હવે 1.07 ટકા થઈ ગયો છે. સાત રાજ્યોમાં પૉઝિટિવિટી રેટ 25 ટકાથી વધુ છે, જ્યારે અન્ય 22 રાજ્યોમાં આ આંકડો 15 ટકાથી વધુ છે.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગના જૉઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે “૨૧ રાજ્યોમાં દરરોજ સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા નવા દર્દીઓની સંખ્યા કરતાં વધારે છે.”
છેલ્લા ૧૦ દિવસમાં સક્રિય કેસ અને રિકવર કેસની તુલના બતાવે છે કે રિકવરી રેટ સતત વધી રહ્યો છે.