ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
રસ્તા ઉપર કોઈનો અકસ્માત થાય ત્યારે ઘાયલની મદદ કરવા માટે જલદીથી કોઈ આગળ આવતું નથી. પોલીસના ચક્કરમાં કોણ પડે? ક્યાંક આપણે ફસાઈ જઈશું તો? હૉસ્પિટલ અને પોલીસવાળા આપણને હેરાન કરશે. આવા વિચારો મનમાં આવે છે, પરંતુ પોલીસ અને સરકાર વારંવાર લોકોને અપીલ કરે છે કે અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિની મદદ કરવી એ માનવતા છે અને એવું કરવાથી પોલીસ તમને હેરાન પણ નહીં કરે. છતાં લોકો ઘાયલને હૉસ્પિટલ પહોંચાડવામાં ડરે છે. હવે મોદી સરકારે એક અનોખી પહેલ શરૂ કરી છે, એમાં ભલાઈ કરવાનું ઇનામ મળશે.
રોડ ટ્રાન્સપૉર્ટ ઍન્ડ હાઇવે મંત્રાલયે કહ્યું છે કે માર્ગ-અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલને એક કલાકની અંદર હૉસ્પિટલમાં પહોંચાડનાર મદદગાર માટે એક ખાસ યોજના શરૂ કરી છે. એમાં તે વ્યક્તિને 5000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ યોજના 15મી ઑક્ટોબર, 2021થી 31 માર્ચ, 2026 સુધી શરૂ રહેશે. ઇનામની સાથે એક પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
મંત્રાલયે કહ્યું છે કે આ પુરસ્કાર ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે 10 સૌથી નેક મદદગારોને એક લાખ રૂપિયાનું ઇનામ અપાશે.