ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑક્ટોબર, 2021
બુધવાર
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પેટ્રોલ પમ્પ ખોલવાના નિયમો સરળ બનાવ્યા છે. આવી સ્થિતિમાં તમે સરળતાથી પેટ્રોલ પમ્પ ખોલીને દર મહિને લાખોની કમાણી કરી શકો છો. એટલું જ નહીં સરકારે પેટ્રોલ પમ્પ માલિકોને પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરૂ કરતાં પહેલાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન અને CNG આઉટલેટ્સ સ્થાપવાની પણ મંજૂરી આપી છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રાલયે 8 નવેમ્બર, 2019ના એના આદેશમાં જણાવ્યું હતું કે, “તમામ પેટ્રોલ પમ્પ પર તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. નવી કંપનીઓને પેટ્રોલ પમ્પ સ્થાપિત કરવાના નિયમો હળવા કરવામાં આવ્યા છે. આ આદેશ અનુસાર પેટ્રોલ પમ્પ છૂટક વેચાણ માટે નવા વૈકલ્પિક ઈંધણ જેમ કે CNG, LNG અથવા પેટ્રોલ અને ડીઝલ તેમ જ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ પૉઇન્ટ સ્થાપિત કરી શકશે.”
શૅરબજારના બિગ બુલિશ રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું અપના ટાઇમ આ ગયા; ઝુનઝુનવાલાની 'આકાસા ઍર'ના વિમાનો ઊડશે
બીજા શબ્દોમાં કહીએ તો ગ્રાહકો એક જ પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ, ડીઝલ, CNG સાથે ઇલેક્ટ્રિક કાર માટે ચાર્જિંગ સ્ટેશનની સુવિધા મેળવી શકશે.
પેટ્રોલ પમ્પ માટે કોને અરજી કરવાની મંજૂરી આપવામાં આવશે
મંત્રાલયે 5 ઑક્ટોબર, 2021ના રોજ જારી કરેલી નોટિસમાં જણાવ્યું હતું કે, “અધિકૃત એકમને પેટ્રોલ અને ડીઝલ માટે પોતાનું રીટેલ આઉટલેટ બનાવવાની જરૂર પડશે. પેટ્રોલ પમ્પ યુનિટને ઓછામાં ઓછા એક નવા વૈકલ્પિક બળતણ જેવાં કે CNG, બાયોફ્યુઅલ, LNG સાથે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ પઇન્ટના વેચાણની સુવિધા પૂરી પાડવી પડશે. નવા નિયમો રૂ. 250 કરોડની ઓછામાં ઓછી નેટવર્થ ધરાવતી કંપનીને પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ માટે અરજી કરવાની મંજૂરી આપે છે.”
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, IMC લિમિટેડ, ઑનસાઇટ એનર્જી, આસામ ગૅસ કંપની, એમ્કે ઍગ્રોટેક, RBML સોલ્યુશન્સ ઇન્ડિયા અને માનસ ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝને નવેમ્બર 2019ની નીતિ અનુસાર પેટ્રોલ પમ્પ સ્થાપવા માટે લાઇસન્સ આપવામાં આવ્યાં છે.
પેટ્રોલ પમ્પ ખોલવા સંબંધિત મહત્ત્વની માહિતી
પેટ્રોલ પમ્પ ખોલવા માટે ભારતીય નાગરિક હોવું જરૂરી છે. વળી આ માટે વયમર્યાદા 21થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને શિક્ષણ ઓછામાં ઓછું 10 ધોરણ સુધી પૂર્ણ થયેલું હોવું જોઈએ. કંપની વતી પેટ્રોલ પમ્પ ખોલવા અંગે અખબારમાં જાહેરાત આપવામાં આવે છે.
આમાં તમામ નિયમો અને શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિયમોને પૂર્ણ કરનાર કોઈ પણ વ્યક્તિ સંબંધિત કંપનીની વેબસાઇટ પર ડીલરશિપ માટે ઑનલાઇન અરજી કરી શકે છે. આ પછી કંપનીના અધિકારીઓ નિરીક્ષણ કરે છે. પેટ્રોલિયમ મંત્રાલય પેટ્રોલ પમ્પ ખોલવા પર પ્રતિબંધ લગાવી શકે છે. પેટ્રોલ પમ્પ ખોલવાની પ્રથમ જરૂરિયાત જમીન છે. રાજ્ય અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઓછામાં ઓછી 1200થી 1600 ચોરસ મીટર જમીન હોવી જોઈએ. એ જ સમયે જો તમે શહેરી વિસ્તારોમાં પેટ્રોલ પમ્પ ખોલી રહ્યા છો તો ઓછામાં ઓછી 800 ચોરસ મીટર જગ્યા હોવી જરૂરી છે. જો તમારા પોતાના નામે જમીન ન હોય તો જમીન લીઝ પર પણ લઈ શકાય છે. એના દસ્તાવેજો કંપનીને બતાવવાના રહેશે.
જો પરિવારના સભ્યના નામે જમીન હોય તો પણ કોઈ પેટ્રોલ પમ્પ ડીલરશિપ માટે અરજી કરી શકે છે. જો ખેતીલાયક જમીન હોય તો એનું રૂપાંતર કરવું પડે છે. જમીન સંબંધિત તમામ દસ્તાવેજો, મિલકતના નકશા સહિત, NOC કંપનીના અધિકારી દ્વારા નિરીક્ષણ દરમિયાન જોવામાં આવે છે.
લદ્દાખમાં તણાવ વચ્ચે ડ્રેગને ભારતને આપી ‘ધમકી’ કહ્યું-‘જો યુદ્ધ થશે તો કરવો પડશે હારનો સામનો’
જો તમારી પાસે વધારે પૈસા ન હોય અને તમારા નામે જમીન ન હોય તો પણ તમે હવે પેટ્રોલ પમ્પ માટે અરજી કરી શકો છો. નવી માર્ગદર્શિકામાં પેટ્રોલ પમ્પ અરજદાર પાસે ભંડોળની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે.
આ ઉપરાંત જમીનની માલિકી અંગેના નિયમોમાં છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધી શહેરી વિસ્તારોમાં પેટ્રોલ પમ્પ માટે 25 લાખ રૂપિયા અને ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલ પમ્પ ખોલવા માટે 12 લાખ રૂપિયાની બૅન્ક ડિપોઝિટ જરૂરી હતી.