News Continuous Bureau | Mumbai
Solan Fire Incident હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના અર્કી બજારમાં મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અગ્નિકાંડ સર્જાયો છે. આ દુર્ઘટનામાં નેપાળી મૂળના એક પરિવારના સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું છે, જેનો મૃતદેહ કાટમાળમાંથી મળી આવ્યો છે. હજુ પણ 8 થી 9 લોકો આ આગમાં ફસાયા હોવાની આશંકા છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે.
સળગતી સગડી અને સિલિન્ડર બ્લાસ્ટ બન્યા કારણ
પ્રાથમિક તપાસ અનુસાર, આગ લાગવાનું મુખ્ય કારણ ઘરમાં રાખેલી સળગતી સગડી માનવામાં આવે છે. કડકડતી ઠંડીથી બચવા માટે નેપાળી પરિવાર સળગતી સગડી ઘરની અંદર લઈ ગયો હતો. આ સગડીમાંથી ઉડેલી તણખીએ ઘરમાં રાખેલા ગેસ સિલિન્ડરને લપેટમાં લીધા હતા. એક પછી એક આશરે 6 થી 7 સિલિન્ડર ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આખું ઘર આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું હતું.
મોડી રાત્રે સર્જાયો ભયાનક મંજર
આ ઘટના રાત્રે આશરે 2 થી 3 વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે. જ્યારે આખો બજાર અને પરિવાર ઊંઘમાં હતો, ત્યારે જ અચાનક વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આગ એટલી ઝડપથી ફેલાઈ કે કોઈને બહાર નીકળવાની તક મળી ન હતી. અગ્નિશમન દળની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ સિલિન્ડર વિસ્ફોટોને કારણે રાહત કાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Gold Price Today: સોનાના ભાવમાં ભયાનક ભડકો! MCX પર પહેલીવાર ₹1.40 લાખને પાર, ચાંદીના ભાવ સાંભળીને પણ પરસેવો છૂટી જશે
બચાવ અભિયાન અને વહીવટી કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ વહીવટીતંત્રની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં કાટમાળ નીચે દબાયેલા અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા પીડિત પરિવારને તાત્કાલિક સહાય પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર શિયાળામાં સગડી અને ગેસના વપરાશમાં રાખવી પડતી સાવચેતી અંગે લાલબત્તી ધરી છે.
