ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જૂન ૨૦૨૧
બુધવાર
કેન્દ્ર સરકાર ટ્વિટર પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. નવા IT નિયમોનું પાલન ન કરવા બદલ ટ્વિટરને ભારે કિંમત ચૂકવવી પડી છે. સરકારે હવે નવા દિશાનિર્દેશોનું પાલન ન કરવાને કારણે ટ્વિટરની ભારતમાં મધ્યવર્તી પ્લૅટફૉર્મની સ્થિતિ રદ કરી છે. એટલે કે હવે ટ્વિટરનું કાયદાકીય સંરક્ષણ સમાપ્ત થઈ ગયું છે અને હવે જો કોઈ ખોટી પોસ્ટ કરશે તો ટ્વિટરે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.`
ટ્વિટર દ્વારા 25 મેના રોજ અમલમાં આવેલા નવા IT નિયમોનો અમલ થયો નથી અને એના કારણે સરકારને ટ્વિટર પર આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે. સરકારે સમયાંતરે ટ્વિટરને નોટિસ મોકલીને નવા નિયમો લાગુ કરવાની અપીલ કરી હતી, પરંતુ ટ્વિટરે નિયમોની જોગવાઈ અનુસાર જરૂરી નિયુક્તિ કરી ન હતી. હવે જો કોઈ વ્યક્તિ ટ્વિટર પર કોઈ ખોટી પોસ્ટ કરશે, તો તે વ્યક્તિ સહિત ટ્વિટર પર પણ કેસ થઈ શકે છે.
આખરે ટ્વીટરે નમતું જોખ્યું… લીધું આ પગલું
ઉલ્લેખનીય છે કે હવે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક વૃદ્ધ વ્યક્તિ ઉપર હુમલો કરાયો હોવાના વીડિયોના મામલે પણ ટ્વિટર પર કેસ નોંધવામાં આવ્યો છે. ટ્વિટર પર આરોપ છે કે પોલીસ દ્વારા આ વીડિયોની સત્યતા છતી થવા છતાં આ વીડિયો હટાવવામાં આવ્યો નથી. આ તમામ સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં માત્ર ટ્વિટર પર જ નહીં પરંતુ અન્ય 8 લોકો પર પણ કેસ નોંધવામાં આવ્યો છે.