ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જુલાઈ, 2021
મંગળવાર.
દેશભરમાં માલસામાનની હેરફેર માટે રેલવેની ગુડ્સ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. વેસ્ટર્ન રેલવે પણ માલ અને પાર્સલની હેરફેર માટે સ્પેશિયલ ટ્રેન દોડાવતી હોય છે, જે અંતર્ગત ચાલુ આર્થિક વર્ષમાં વેસ્ટર્ન રેલવેએ 25 જુલાઈ, 2021 સુધી એટલે કે માત્ર ચાર મહિનામાં 26.28 મિલિયન ટન જેટલો માલ દેશના જુદા જુદા હિસ્સામાં મોકલવાની સિદ્ધિ હાંસલ કરી છે. ગયા વર્ષે આ સમયે માત્ર 20.42 મિલિયન ટન માલસામાનની હેરફેર થઈ હતી.
રેલવેના પ્રવક્તાના જણાવ્યા મુજબ 1 એપ્રિલ, 2021થી 25 જુલાઈ, 2021 સુધી વેસ્ટર્ન રેલવેએ પોતાની 240 પાર્સલ સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી 90 હજાર ટનથી વધુ વજનની વસ્તુઓનું ટ્રાન્સપૉર્ટેશન કર્યું હતું, જેમાં કૃષિ-ઉત્પાદન, દવા, મેડિકલ ઈક્વિપમેન્ટ્સ, માછલી, દૂધ જેવા મુખ્ય પદાર્થનો સમાવેશ થાય છે. આને કારણે રેલવેને 30.60 કરોડ રૂપિયાની આવક પણ થઈ છે.
આ સમય દરમિયાન રેલવેએ 40 હજાર ટનથી વધુ દૂધનું ટ્રાન્સપૉર્ટેશન માટે 58 મિલ્ક સ્પેશિયલ ટ્રેન ચલાવી હતી અને 100 ટકા વેગનનો ઉપયોગ કર્યો હતો, તો 70 કોવિડ-19 સ્પેશિલ પાર્સલ ટ્રેન પર દોડાવી હતી. જેના માધ્યમથી 12,000 ટન આવશ્યક વસ્તુઓનું ટ્રાન્સપૉર્ટેશ થયું હતું. ખેડૂતોના પાક માટે વિવિધ બજારથી લગભગ 70 ખેડૂત ટ્રેન પણ દોડાવવામાં આવી હતી.