ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
અભિનેતા અક્ષય ખન્નાને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાની કારકિર્દીમાં એકથી વધુ ફિલ્મો આપી છે અને તેનો અભિનય તેની ઓળખ છે. દરેક વ્યક્તિ જાણે છે કે અક્ષય ખન્ના દિવંગત અભિનેતા વિનોદ ખન્નાનો પુત્ર છે. અક્ષયનો જન્મ 28 માર્ચ, 1975ના રોજ થયો હતો. તેણે 1997માં આવેલી ફિલ્મ 'હિમાલય પુત્ર'થી બૉલિવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મી કારકિર્દીની સાથે અક્ષયનું અંગત જીવન પણ ઘણી વખત હેડલાઇન્સમાં આવ્યું છે. અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે તેનાં લગ્ન થતાં રહી ગયાં હતાં અને અભિનેતાએ આજ સુધી લગ્ન કર્યાં નથી. આજે અમે તમને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
અક્ષય ખન્નાની બીજી ફિલ્મ 'બોર્ડર' હતી, તેણે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 'હિમાલય પુત્ર' થી કરી હતી. ‘બોર્ડર’ ફિલ્મ હિટ રહી હતી, પરંતુ અક્ષય ખન્નાને ફિલ્મ 'તાલ'થી ઓળખ મળી હતી. આ ફિલ્મ વર્ષ 1999માં આવી અને સુપરહિટ સાબિત થઈ. અક્ષય ખન્નાએ ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર ઍવૉર્ડ જીત્યો હતો. અક્ષય ખન્નાએ પોતાની કારકિર્દીમાં બે ફિલ્મફેર ઍવૉર્ડ, ત્રણ સ્ક્રીન ઍવૉર્ડ અને બે IFA ઍવૉર્ડ જીત્યા છે. આ પછી અક્ષયે 'હમરાજ', 'હંગામા', 'હલચલ', 'રેસ' અને 'આ અબ લૌટ ચલે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું.
આ રીતે અક્ષય ખન્નાનું નામ બે-ત્રણ અભિનેત્રીઓ સાથે જોડાયેલું હતું, પરંતુ તેનાં લગ્નની ચર્ચા અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે હતી. કરિશ્માના પિતા રણધીર કપૂરે પુત્રીનું માગું વિનોદ ખન્નાના ઘરે મોકલ્યું હતું, પરંતુ કરિશ્માની માતા બબિતા કપૂર વચ્ચે આવી. કરિશ્માની કારકિર્દી એ સમયે ટોચ પર હતી. બબિતા નહોતી ઇચ્છતી કે કરિશ્મા તેની કારકિર્દીના આ તબક્કે લગ્ન કરે અને તેણે આ સંબંધને નકારી દીધો.
અક્ષય ખન્નાએ એક વખત તેનાં લગ્ન વિશે પૂછેલા સવાલ પર કહ્યું હતું કે, 'મને બાળકો પસંદ નથી, તેથી મેં આજ સુધી લગ્ન કર્યાં નથી અને હું ક્યારેય લગ્ન કરવા માગતો નથી. હું એકલો જ સારો છું. હું થોડા સમય માટે સંબંધમાં રહી શકું છું, પરંતુ તે સંબંધને લાંબા સમય સુધી ટકાવી શકતો નથી.’
અક્ષય ખન્નાના પિતા વિનોદ ખન્નાનું વર્ષ 2017માં નિધન થયું હતું. આ પછી અક્ષય એકલો પડી ગયો. 46 વર્ષનો હોવા છતાં તેણે આજ સુધી લગ્ન કર્યાં નથી. તો બીજી બાજુ, અક્ષય ખન્નાનું નામ સારા અભિનેતાઓની યાદીમાં સામેલ છે, જે સારા હીરો અને વિલન બંનેની ભૂમિકા ભજવી શકે છે. અભિનેતા છેલ્લે ફિલ્મ 'Section 375'માં જોવા મળ્યો હતો.
Join Our WhatsApp Community