ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
15 ઓક્ટોબર 2020
ન્યૂઝ ચેનલોનું ટીઆરપી કૌભાંડ બહાર આવ્યા બાદ ટેલિવિઝન રેટિંગ માપનારી સંસ્થા એટલે કે બાર્કએ મોટો નિર્ણય લીધો છે. બાર્કે આગામી 12 અઠવાડિયા (ત્રણ મહિના) માટે ટીઆરપી માપવા પર રોક લગાવી છે. એટલે કે આગામી 12 અઠવાડિયા સુધી ન્યૂઝ ચેનલોની ટીઆરપી રેટિંગ નહીં આવે. બાર્કએ મુંબઈ પોલીસ દ્વારા ટીઆરપી કૌભાંડના ભાંડાફોડ બાદ આ પગલું ભર્યું છે. બાર્ક તરફથી કહેવાયું છે કે હિન્દી, સ્થાનિક, અંગ્રેજીની સાથે સાથે તમામ બિઝનેસ ચેનલો પણ તેના નિર્ણય હેઠળ આવશે. જોકે ટેક્નિકલ સમિતિની નિગરાણીમાં રાજ્ય અને ભાષાના આધારે દર્શકોની સાપ્તાહિક અંદાજિત સંખ્યા બતાવવાનું ચાલું રહેશે.
બાર્ક ઈન્ડિયા બોર્ડના ચેરમેનએ કહ્યું હતું કે, હાલના ઘટનાક્રમને જોતા આ નિર્ણય લેવો ખુબ જરૂરી બન્યો હતો. બોર્ડનું માનવું છે કે બાર્કે પહેલેથી કડક પ્રોટોકોલની સમીક્ષા કરવી જોઈએ અને એ દિશામાં સકારાત્મક પગલું ભરવું જોઈએ કે નકલી ટીઆરપી જેવી ઘટનાઓ ફરીથી સામે ન આવે.
શું છે બાર્ક ??(BARC)
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ એટલે કે ‘બાર્ક’ ટેલિવિઝન રેટિંગ બતાવતી એજન્સી છે. જે સંયુક્ત ઉદ્યોગ ઉપક્રમ છે. તે દુનિયાની સૌથી મોટી ટેલિવિઝન મેજરમેન્ટ સંસ્થા છે. બાર્ક ઈન્ડિયા વર્ષ 2010માં શરૂ થઈ હતી અને તેનું હેડક્વાર્ટર મુંબઈમાં છે.