News Continuous Bureau | Mumbai
Disha Patni બૉલિવૂડ અભિનેત્રી દિશા પટણીના બરેલી સ્થિત ઘરે થયેલી ફાયરિંગથી તેમનો આખો પરિવાર ડરી ગયો છે. શુક્રવારે સવારે બે બાઇક સવાર અજાણ્યા લોકોએ આ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, આ ફાયરિંગમાં કોઈને પણ ઈજા થયાના સમાચાર નથી. અહેવાલો મુજબ, દિશાની બહેન અને પૂર્વ આર્મી ઓફિસર ખુશ્બુ પટણી પર આરોપ છે કે તેમણે સંત પ્રેમાનંદજી મહારાજ અને કથાવાચક અનિરુદ્ધાચાર્ય મહારાજનું અપમાન કર્યું હતું. આ ઘટનાની જવાબદારી સોશિયલ મીડિયા પર ગેંગસ્ટર રોહિત ગોદરાએ લીધી છે.
દિશાના પિતાએ જણાવી નજરે જોયેલી ઘટના
દિશા પટણી અને ખુશ્બુના પિતા જગદીશ પટણીએ દીકરી પરના આરોપોને ખોટા ગણાવીને પોતાના ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના વર્ણવી છે. તેમણે જણાવ્યું કે, જ્યારે તેમના ઘર પર ફાયરિંગ થયું ત્યારે તેઓ ઘરે જ હતા. તેમણે કહ્યું, “બે અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા અને તે સમયે મારા કૂતરાઓએ મને સતર્ક કરી દીધો. જ્યારે પણ કોઈ અજાણ્યો વ્યક્તિ આવે છે ત્યારે કૂતરાઓ જોરથી ભસવા લાગે છે અને તેના કારણે અમને ખબર પડી કે કંઈક ગરબડ છે.”
દીકરી પરના આરોપો અને ગેંગસ્ટરના દાવા પર શું કહ્યું?
જગદીશ પટણીએ આગળ જણાવ્યું, “જેવો મેં દરવાજો ખોલીને છત પર આવવાની કોશિશ કરી, તો બે લોકો સામે ઊભા હતા. મેં તેમને પૂછ્યું કે તમે કોણ છો? આટલું કહેતા જ તેમણે મારી તરફ બંદૂક તાની દીધી. તરત જ મેં મારી જાતને દીવાલની પાછળ છુપાવી લીધી. મને લાગે છે કે તેમની પાસે વિદેશી પિસ્તોલ હતી. 10થી 12 રાઉન્ડ ફાયર થયા, ત્યારબાદ તેઓ પોતાની ગાડી સ્ટાર્ટ કરીને ભાગી ગયા. પછી મેં પોલીસને સૂચના આપી.” ગોદરા ગેંગ દ્વારા ઘટનાની જવાબદારી લેવા પર દિશાના પિતાએ કહ્યું કે, “હું ગેંગ વિશે કહી શકતો નથી. આજકાલ મીડિયામાં કોઈ પણ કંઈ પણ કરી શકે છે. પોલીસ જ્યારે કોઈ નિષ્કર્ષ પર પહોંચશે ત્યારે જ કંઈ કહી શકાશે.”
આ સમાચાર પણ વાંચો : Gajkesari Rajyog: 12 વર્ષ બાદ બની રહ્યો છે ગજકેસરી રાજયોગ, ગુરુ-ચંદ્રની કૃપાથી મળશે ભરપૂર લાભ
ગોળી તો અમારા બાજુમાંથી પહેલા પણ જતી હતી
મીડિયા સાથે ની વાતચીતમાં જગદીશ પટણીએ પોલીસના સહયોગ અંગે કહ્યું કે, “પોલીસનો સહયોગ ખૂબ સારો મળી રહ્યો છે અને તેમના સહયોગથી જ અમે તમારી સામે આવી શક્યા છીએ. ડર તો ચોક્કસ હોય છે, પણ ક્યાં સુધી ડરીને રહીશું? અમે 35થી 40 વર્ષ પોલીસમાં નોકરી કરી છે. દીકરી આર્મીમાંથી પાછી આવી છે. તો આ ગોળીઓ તો અમારી બાજુમાંથી પહેલા પણ જતી રહી છે અને આજે પણ ગઈ છે.” તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરતા કહ્યું કે આ પ્રકારની ઘટના ફરી ન બને, આવા ગુનેગારોને શોધીને પકડે અને કાયદાકીય કાર્યવાહી કરે.