ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જુલાઈ, 2021
શુક્રવાર
અશ્લીલ ફિલ્મો બનાવવાના મામલે હાલ પોલીસ કસ્ટડીમાં રહેલા રાજ કુંદ્રાને લઈને આ કેસની આરોપી ગહના વશિષ્ઠે દાવો કર્યો છે કે તે પત્ની શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીને લઈને એક ફિલ્મ બનાવવાનો હતો. રાજ કુન્દ્રા આ ફિલ્મ માટે એક લૉન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. ગહના વશિષ્ઠે એમ પણ કહ્યું કે તે આ ફિલ્મને ડિરેક્ટ કરવાની હતી.
એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરતાં ગહના વશિષ્ઠે જણાવ્યું કે ‘‘જેલ જવાના થોડા દિવસ પહેલાં હું રાજ કુન્દ્રાની ઑફિસ ગઈ હતી. ત્યાં જઈને જાણ થઈ કે તે એક નવી ઍપ બૉલિફેમ લૉન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. આ ઍપ પર રિયાલિટી શો, ચૅટ શો, મ્યુઝિક વીડિયો, કૉમેડી શો અને નૉર્મલ ફિલ્મો રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું. આ ફિલ્મોમાં બોલ્ડ સીન નહોતા હોવાના. આ દરમિયાન અમે લોકોએ સ્ક્રિપ્ટ પર ચર્ચા કરી હતી. બાદમાં એક સ્ક્રિપ્ટ માટે શમિતા શેટ્ટીને, એક સ્ક્રિપ્ટ માટે સઈ તામ્હણકરને અને એક-બે આર્ટિસ્ટને કાસ્ટ કરવાનું વિચાર્યું હતું. હું ધરપકડ થયાના 3-4 દિવસ પહેલાં તેના માટે ફિલ્મ શૂટ કરવાનું વિચારી રહી હતી. હું તે ફિલ્મોને ડિરેક્ટ કરવાની હતી.’’
શમિતા શેટ્ટીની મુલાકાત વિશે ગહના વશિષ્ઠે કહ્યું ‘‘મારી શમિતા શેટ્ટી સાથે ક્યારેય મુલાકાત થઈ નથી. મેં ફિલ્મની સ્ક્રિપ્ટ ઉમેશ કામત દ્વારા તેને મોકલી હતી. મારું કામ માત્ર ડિરેક્શનનું હતું અને સેટ પર જઈને ફિલ્મ ડિરેક્ટ કરવાનું હતું. એ કેટલી ફી લઈ રહી છે અને શું શરત છે, એની સાથે મારે કોઈ લેવાદેવા નહોતી. હું આવી બાબતોમાં પડતી નહોતી. શમિતા શેટ્ટીની ઉમેશ કામત સાથે વાત થઈ હતી અને તે તેના માટે સંમત થઈ હતી.’’