ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
વર્ષ 2020 એ આખા વિશ્વ માટે ખૂબ ખરાબ વર્ષ સાબિત થયું છે. કોરોના મહામારીના પગલે સરકાર દ્વારા લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે, ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી હતી, તો ઘણા લોકોનો વ્યવસાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. પરંતુ કોઈએ વિચાર્યું પણ ન હતું કે ટેલિવઝન જગતના પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ ચંપકલાલ ગડા પણ આમાં આવી જશે. વાતાવરણ એવું બની ગયું છે કે હવે જેઠાલાલની 12 વર્ષ જૂની દુકાનને તાળાબંધી થવા જઇ રહી છે. એટલું જ નહીં, દેવામાં ડૂબેલ જેઠાલાલ હવે મુંબઈ છોડીને ગામ જવાની વિચારણા કરી રહ્યા છે.
હકીકતમાં, જેઠાલાલ લોકડાઉન પહેલા ભોગીલાલ નામના એક વેપારીને ક્રેડિટ પર મોટો ઓર્ડર ડિલીવર કરે છે. પરંતુ કોરોનાને કારણે, લોકડાઉનમાં એમની દુકાન બંધ રહેવાના કારણે બધા વ્યવહાર થંભી જાય છે અને તેમની ચુકવણી અટકી જાય છે. લોકડાઉન ખુલ્યાના થોડા દિવસો પછી, જ્યારે જેઠાલાલ વેપારીને ચુકવણી માટે બોલાવે છે, ત્યારે વેપારી જેઠાલાલને ચુકવણી કરવાનો ઇનકાર કરે છે. આમ ક્રેડિટ પર આપેલા સામાનનું પેમેન્ટ ન મળતાં જેઠાલાલ આર્થિક ભીંસમાં આવી ગયા છે.
જેઠાલાલ પેમેન્ટ મેળવવા માટે ઘણા પ્રયત્ન કરે છે, પરંતુ તેમાં સફળ ન થતાં આખરે દુકાન વેચવાનો નિર્ણય કરે છે. જેઠાલાલે આ કારણે ગોકુલધામ સોસાયટી પણ છોડવી પડશે તે વાતને લઇને પણ દુ:ખી છે. હવે એ જોવું ખૂબ જ રસપ્રદ હશે કે, તે કેવી રીતે આ મુશ્કેલીમાંથી બહાર આવે છે.
