ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
આજે રણવીર સિંહનો જન્મદિવસ છે. રણવીર કરણ જોહર સાથે કામ કરવા જઈ રહ્યો છે. એટલું જ નહીં આ પ્રોજેક્ટમાં આલિયા ભટ્ટ પણ જોવા મળશે. કરણે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે વર્ષો બાદ નિર્દેશન તરફ પાછો ફરશે. ‘એ દિલ હૈ મુશ્કિલ’ બાદ કરણ હવે ફિલ્મ ડાયરેક્ટ કરવા જઈ રહ્યો છે. કરણે આ વિષયે પોસ્ટ કરતાં લખ્યું છે, ‘આ એક નવી સફરની શરૂઆત અને ઘરવાપાસી, બંને એકસાથે છે. હવે સમય થઈ ગયો છે કે હું મારી પ્રિય જગ્યા પર જાઉં અને એક લવ સ્ટોરી બનાવું. એક ખૂબ સ્પેશિયલ લવ સ્ટોરી. જેના મૂળ પ્રેમ અને પરિવારથી જોડાયેલાં હોય. તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અને આલિયા આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મને ઈશિતા મોઈત્રા, શશાંક ખૈતાન તથા સુમિત રૉયે લખી છે. આ ફિલ્મ 2022માં રિલીઝ થશે. આ ફિલ્મનું નામ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ હશે. આલિયા અને રણવીર અગાઉ ‘ગલી બૉય’માં પણ જોવા મળ્યાં હતાં.
ચોંકાવનારા અહેવાલ એ છે કે ફિલ્મમાં આલિયાનાં માતાપિતાનો રોલ શબાના આઝમી અને ધર્મેન્દ્ર કરવાના છે. જી હા, અહેવાલોનું એ પણ કહેવું છે કે જયા બચ્ચન ફિલ્મમાં રણવીરની માતાનું પાત્ર ભજવશે. ટ્વિસ્ટ એ છે કે ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા અને શબાનાનો લવ ટ્રાયઍન્ગલ જોવા મળશે. જોવું રહ્યું કે કરણ હવે આ વિશે આગળ શું ઘોષણા કરે છે.