Site icon

દેશબંધુ પાંડેને KBCમાં જવું પડ્યું મોંઘું, વિભાગે આપી ચાર્જશીટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 31 ઑગસ્ટ, 2021

મંગળવાર

 

કૌન બનેગા કરોડપતિ (KBC) 13માં અમિતાભ બચ્ચનની સામે હૉટ સીટ પર બેસીને રેલવે ઑફિસર દેશબંધુ પાંડે ખૂબ ખુશ હતા, પરંતુ ઘરે પરત ફર્યા બાદ તેમને શું સામનો કરવો પડશે એનો તેમને ખ્યાલ નહોતો. રાજસ્થાનના કોટા રેલવે ડિવિઝનના સ્થાનિક પ્રાપ્તિ વિભાગના ઑફિસ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે તહેનાત દેશબંધુ પાંડેને માત્ર રેલવે પ્રશાસન દ્વારા ચાર્જશીટ સોંપવામાં આવી નથી, પરંતુ તેના ઇન્ક્રીમેન્ટ ઉપર પણ ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમના પર કોઈ માહિતી આપ્યા વગર ઑફિસમાંથી ગુમ થવાનો અને KBCમાં ભાગ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ચાર્જશીટમાં લખ્યું છે કે તમે રજા મંજૂર કર્યા વિના 9થી 13 ઑગસ્ટ સુધી ગુમ રહ્યા હતા, તમારું આ વલણ કામ પ્રત્યે બેદરકારી દર્શાવે છે. આ કિસ્સામાં તમારી સામે પગલાં લેવાં જોઈએ. જણાવી દઈએ કે દેશબંધુએ KBCમાં 3 લાખ 20 હજાર રૂપિયાની રકમ પણ જીતી હતી. જોકે મુંબઈથી પરત ફરતાંની સાથે જ રેલવે પ્રશાસને તેને આકરી સજા આપી છે અને તેને ચાર્જશીટ સોંપવામાં આવી છે અને પગારવધારો પણ ત્રણ વર્ષ માટે અટકાવી દેવામાં આવ્યો છે. પાંડેનો આ એપિસોડ 26 અને 27 ઑગસ્ટના રોજ પ્રસારિત થયો હતો અને તેણે કુલ 10 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા.

અભિનેતા અરમાન કોહલીની મુશ્કેલીઓ વધી, કોર્ટે કસ્ટડીનો સમયગાળો વધાર્યો; 2018માં અરમાનની ધરપકડ થઈ હતી

રેલવે પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કર્યા બાદ દેશબંધુએ કોઈ નિવેદન આપ્યું નથી. દેશબંધુ તેમનાં લગ્નની 25મી વર્ષગાંઠ પર KBC પહોંચ્યા હતા. કર્મચારીઓનાં સંગઠનોએ રેલવે પ્રશાસન વતી આવી કાર્યવાહીનો વિરોધ કર્યો છે. પશ્ચિમ મધ્ય રેલવે મઝદૂર સંઘના વિભાગીય સચિવ ખાલિદે કહ્યું છે કે રેલવે પ્રશાસને પાંડે સાથે સારું કર્યું નથી અને તેમની સામે કેસ લડવામાં આવશે. તેમણે કહ્યું કે આ ચાર્જશીટ 9 ઑગસ્ટના રોજ તૈયાર કરવામાં આવી છે, જ્યારે ચાર્જશીટમાં 13 ઑગસ્ટ સુધી પહેલાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે અધિકારીઓને ખબર હોય કે કર્મચારી 13 ઑગસ્ટ સુધી નહીં આવે. મતલબ કે પાંડેએ 13 ઑગસ્ટ સુધી રજા માગી હતી, જે તેમને આપવામાં આવી નહોતી. તેમણે આગળ કહ્યું કે દેશબંધુ પાંડે ચાર્જશીટને લઈને એટલા ડરી ગયા છે કે તેઓ રેલવે પ્રશાસન સામે કંઈ બોલવા તૈયાર નથી. પાંડેને 18 ઑગસ્ટે મુંબઈથી પરત ફરતી વખતે ચાર્જશીટ સોંપવામાં આવી હતી અને તેમની પાસેથી જવાબ પણ માગવામાં આવ્યો છે.

Exit mobile version