ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
ભારતરત્ન સહિતના એવોર્ડથી નવાજિત થયેલા કોકિલકંઠી ગાયિકા લતા મંગેશકર હાલમાં માત્ર કોરોના વાયરસ જ નહીં પરંતુ અન્ય એક બીમારી સાથે પણ યુદ્ધ લડી રહ્યા છે. કોરોના પોઝિટિવ હોવાની સાથે લતા દીદીને ન્યુમોનિયા પણ થયો છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોકટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.
લિજેન્ડરી સિંગર લતા મંગેશકર હાલ કોરોનાને કારણે ICUમાં દાખલ છે. તેમની હાલત પહેલા કરતાં સુધરી રહી છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર લતા મંગેશકર હવે 10-12 દિવસ ડોક્ટરોની દેખરેખમાં રહેશે. રિપોર્ટ્સ અનુસાર, 92 વર્ષીય લતા મંગેશકર ઉંમરને કારણે અન્ય ઘણી સમસ્યાઓથી પણ પરેશાન છે, જેના કારણે ડોક્ટર્સ તેમની ખાસ કાળજી લઈ રહ્યા છે.
લતા મંગેશકરના ભત્રીજી રચના શાહનુ કહેવુ છે કે, તેમને કોરોનાના હળવા લક્ષણો છે પણ તેમની વય 92 વર્ષ હોવાથી ડોકટરોએ સલાહ આપી છે કે, તેમને આઈસીયુમાં રાખવા જોઈએ. તેમને દેખભાળની જરુર છે અને કોઈ ચાન્સ લેવા માંગતા નથી. પરિવારના સભ્યો તરીકે અમે ચોવીસ કલાક તેમની તબિયત પર નજર રહે તેવું ઈચ્છીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, 13 વર્ષથી પોતાની સિંગિંગ કેરિયર શરૂ કરનારા લતાજી ભારતીય ભાષાઓમાં 30000થી વધારે ગીતો ગાઈ ચુકયા છે.