ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
રાની મુખર્જી અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ 'બંટી ઔર બબલી 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. યશરાજ બૅનર હેઠળ બનેલી આ ફની કૉમેડી ફિલ્મ દિવાળી 2021ના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. જ્યાં એક તરફ જૂનાં બંટી અને બબલી રાની અને સૈફ છે તો બીજી તરફ સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી નવા બંટી-બબલી બનીને લોકોને લૂંટવા આવી રહ્યાં છે. અગાઉની ‘બંટી ઔર બબલી’માં, જ્યાં અમિતાભ બચ્ચન આ ઠગને પકડતા જોવા મળ્યા હતા, આ વખતે પંકજ ત્રિપાઠી આ પોલીસની ભૂમિકા ભજવવાના છે.
થોડા સમય પહેલાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 2005માં આવેલી 'બંટી ઔર બબલી'નો બંટી – બબલી હવે છેતરપિંડીનો ધંધો છોડીને આરામદાયક લગ્નજીવન જીવી રહ્યાં છે. મુસીબતો ત્યારે આવે છે જ્યારે આ સુખી પરિવારમાં રહેતા બંટી અને બબલીને બીજા બંટી અને બબલી વિશે ખબર પડે છે, જેઓ આ જ નામથી દુનિયાને છેતરે છે. આવી સ્થિતિમાં, રાની મુખર્જી મક્કમ છે કે હવે તેની 'બ્રાન્ડ'નો ઉપયોગ કરીને તે કોઈને છેતરપિંડીનો ધંધો કરવા દેશે નહીં.
આ વખતે ફિલ્મમાં નવા કિરદારોનો ઉમેરો થયો છે. સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી, જેઓ નવા જમાનાનાં બંટી-બબલી તરીકે જોવા મળશે. આ નવી જોડી ડિજિટલ છેતરપિંડીથી લઈને શહેરના મેયર સાથે છેતરપિંડી કરવા જઈ રહી છે. 'ગલી બૉય'માં એમસી શેરના પાત્રથી સુપરહિટ થયેલા સિદ્ધાંતનો આ ટ્રેલરમાં પણ દબદબો છે. સાથે જ શર્વરી પણ ખૂબ જ ફની લાગી રહી છે.
શાહરુખ ખાન સાથે હૉસ્પિટલમાં જોવા મળી હતી 'બબિતાજી', જાણો શું હતો સમગ્ર મામલો
'બંટી ઔર બબલી 2'એ 'બંટી ઔર બબલી’ની 2005માં આવેલી ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મમાં અગાઉ રાની મુખર્જી અને અભિષેક બચ્ચન જોવા મળ્યાં હતાં. આ સાથે અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળ્યા હતા. આ સિક્વલમાં સૈફ અભિષેકની જગ્યાએ તો પંકજ ત્રિપાઠી અમિતાભની જગ્યાએ જોવા મળશે. યશરાજ બૅનર હેઠળ બનેલી આ ફિલ્મ 19 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
