ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
બૉલિવુડ ઍક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લવ સ્ટોરી છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે. બંનેએ ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને ટૂંક સમયમાં આ કપલ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પહેલી વાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. આટલું જ નહીં, બંનેનાં લગ્નને લઈને સતત સમાચારો આવી રહ્યા છે. હવે તાજેતરના અહેવાલ મુજબ બંનેનાં લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે અને ટૂંક સમયમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ જશે. મળતી માહિતી મુજબ આ વર્ષે ડિસેમ્બરમાં બંનેએ સાત ફેરા લીધા પછી એકબીજાનાં થઈ જશે. બંનેનાં લગ્નમાં તેમના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો હાજર હોવાના અહેવાલ છે, પણ આ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે?
ઐશ્વર્યા રાય બચ્ચન અભિનયમાં નહિ, પરંતુ આ ક્ષેત્રમાં બનાવવા માગતી હતી પોતાની કારકિર્દી; જાણો વિગત
એક મીડિયા હાઉસના રિપૉર્ટ અનુસાર જ્યારે આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે ખૂલીને જવાબ આપ્યો. સોની રાઝદાને આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્ન વિશે કહ્યું, 'મને પણ ખબર નથી કે આ ક્યારે થશે. હું પણ આની રાહ જોઈ રહી છું.’ રિપૉર્ટ અનુસાર સોની રાઝદાને કહ્યું, 'સારું, હજી ઘણો સમય છે. ભવિષ્યમાં ચોક્કસપણે લગ્ન થશે, પરંતુ તે ક્યારે થશે એની કોઈ માહિતી નથી. તમારે કદાચ આલિયાના એજન્ટને ફોન કરવો પડશે, પરંતુ તેના એજન્ટને પણ એની જાણ નહીં હોય.’ જ્યારે મીડિયા રિપૉર્ટ્સ રણબીર-આલિયાનાં લગ્નને લઈને ખૂબ જ આશ્વસ્ત છે, ત્યારે કપલના મૅનેજર અને તેમની માતા આવા અહેવાલોને નકારી રહ્યાં છે. હવે બંને ક્યારે લગ્ન કરશે અને ક્યારે બંને વિશે આ ખુશખબર સાંભળવા મળશે એ તો સમય જ કહેશે. દેખીતી રીતે ચાહકો બંનેનાં લગ્ન વહેલી તકે જોવા ઇચ્છે છે.