News Continuous Bureau | Mumbai
જાણીતા અભિનેતા નાના પાટેકર અને મકરંદ અનાસપુરે દ્વારા સ્થાપિત ‘નામ ફાઉન્ડેશન’ને તાજેતરમાં દસ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે પુણેમાં યોજાયેલા કાર્યક્રમમાં નાના પાટેકરે મહેમાનો સાથે અનૌપચારિક વાતચીત કરતા પોતાની નિવૃત્તિ અંગે સંકેત આપ્યા છે. નાનાએ કહ્યું, “હવે મારે નિવૃત્તિ લેવી છે. હું નાટકો અને ફિલ્મોમાંથી 99 ટકા નિવૃત્ત થઈ રહ્યો છું. જો કોઈ સારી કલાકૃતિ મળશે તો કદાચ કરીશ, પણ હવે મારે મારી રીતે જીવવું છે.” નાના પાટેકર 13 વર્ષની ઉંમરથી કામ કરી રહ્યા છે અને હવે કંઈક અલગ કરવાની તેમની ઈચ્છા વ્યક્ત કરી છે.
75 વર્ષ પછી ફિલ્મી કરિયરમાંથી નિવૃત્તિ
તાજેતરની એક મુલાકાતમાં નાના પાટેકરે કહ્યું, “હું 13 વર્ષની ઉંમરથી કામ કરું છું. હવે હું 75 વર્ષનો થઈ ગયો છું. તેથી, હવે મારે કંઈક અલગ કરવું છે, જે મને ગમે છે તે દિલથી કરીશ. આખરે, આપણે ક્યાંક તો અટકવું જ પડે. 1 જાન્યુઆરીએ હું 75 વર્ષનો થઈશ. તે પછી નાટક અને ફિલ્મોમાંથી નિવૃત્ત થઈને ગામડાના લોકો માટે કામ કરીશ.” તેમણે ‘નામ ફાઉન્ડેશન’ની જવાબદારી મકરંદ અનાસપુરેને સોંપવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને કહ્યું કે, “નામ ફાઉન્ડેશનની ધૂરા હવે મકરંદે જ સંભાળવી જોઈએ. હું તેને માર્ગદર્શન આપવા અને જરૂર પડે ત્યારે પ્રોત્સાહિત કરવા માટે હંમેશા સાથે રહીશ.”
આ સમાચાર પણ વાંચો : Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
‘નામ ફાઉન્ડેશન’ એક જન આંદોલન
નાના પાટેકરે કહ્યું કે, “નામ ફાઉન્ડેશનનું કાર્યક્ષેત્ર ઘણું વધી ગયું છે. આ સંસ્થાનું આગામી કામ મકરંદ નક્કી કરશે. તેની એવી માન્યતા ખોટી છે કે હું હોઈશ તો જ કામ કરીશ. નામ ફાઉન્ડેશન જેવી સો સંસ્થાઓ બનશે તો પણ સમસ્યાઓ હલ થશે નહીં.” તેમણે કહ્યું કે, “મકરંદ મારા કરતાં ગામડાઓમાં વધુ જાણીતો છે, કારણ કે તેનું જોડાણ ગામડાના લોકો સાથે વધુ મજબૂત છે. નામ ફાઉન્ડેશનને દસ વર્ષ પૂરા થયા તેનો મને આનંદ છે. આ એક એવું આંદોલન છે જે માણસોએ માણસો માટે શરૂ કર્યું છે.” નાનાએ જણાવ્યું કે આ ફાઉન્ડેશનના માધ્યમથી 60 લાખથી વધુ ખેડૂત ભાઈઓને લાભ થયો છે.