ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 મે 2021
ગુરુવાર
COVID-19 કેસોમાં ઉછાળાને લીધે, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લોકડાઉન લાદ્યું હતું, જેને પગલે ટીવી સિરિયલો અને ફિલ્મ્સનાં શૂટિંગ્સ અટકી ગયાં હતાં. જોકે ટીવી શોના નિર્માતાઓએ શૂટિંગ ચાલુ રાખવા અને ચાહકોનું મનોરંજન રાખવા માટે તેમના શૂટિંગનાં સ્થળો સ્થાનાંતરિત કર્યાં હતાં, પરંતુ મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકોને ઘરે જ રહેવાની સલાહ આપી છે. આ દરમિયાન 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયક નાણાકીય કટોકટીમાંથી પસાર થયાના અહેવાલો વહેતા થયા હતા. અભિનેતાએ આ તમામ અફવાઓનો અંત લાવતાં કહ્યું હતું કે, “મેં શોમાંથી બ્રેક લીધો નથી. હું સમજી શકતો નથી કે લોકો આટલું નકારાત્મક કેમ વિચારી રહ્યા છે.”
મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, "અમે તમામ પ્રકારની સાવચેતી રાખી રહ્યા છીએ. શોના નિર્માતાઓએ અમારી ભલાઈ માટે આવું પગલું ભર્યું છે અને મને લાગે છે કે તેમનો આ યોગ્ય નિર્ણય છે. કોરોનાની પરિસ્થિતિ થાળે પડતાં જ હું સેટ પર પાછો ફરીશ અને લોકોનું મનોરંજન કરીશ." તેમણે વધુમાં ઉમેર્યું કે, “હું કોઈ પણ પ્રકારના આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો નથી. હું બેરોજગાર નથી, ટીમ અમારી સંભાળ લઈ રહી છે. હાલ હું મારાં પૌત્ર-પૌત્રીઓ સાથે ઘરે સમય વિતાવી રહ્યો છું અને મારાં બાળકો ખરેખર એવા લોકોને મદદ કરી રહ્યાં છે કે જેને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય.’’
શું તમે જેઠાલાલ ગડાની દુકાન જોઈ છે? મુંબઈની આ દુકાનને જોવા દૂર-દૂરથી લોકો આવે છે, જાણો વિગત
આપને જણાવી દઈએ કે ઘનશ્યામ નાયક ઘણાં ગુજરાતી નાટકો અને સ્ટેજ-શોમાં કામ કરી ચૂક્યા છે. તે 'ખિચડી', 'સારાભાઈ વર્સિસ સારાભાઈ', 'દિલ મિલ ગયે', 'સારથી' અને ગુજરાતી શો 'છૂટાછેડા' જેવા લોકપ્રિય ટેલિવિઝન શોમાં જોવા મળ્યા છે. આ ઉપરાંત તેમણે ‘બરસાત’, ‘ઘટક’’, ‘ઇશ્ક’, ‘તેરા જાદુ ચલ ગયા’, ‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘તેરે નામ’ જેવી ફિલ્મોમાં પણ જુદી જુદી ભૂમિકાઓ પણ ભજવી છે.