ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 ડિસેમ્બર 2020
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ ફિલ્મ નિર્માતા કરણ જોહરને નોટિસ ફટકારી છે. 2019 માં તેના ઘરે ડ્રગ પાર્ટીના આક્ષેપ અંગે આ નોટિસ છે. કરણના વાયરલ વીડિયોમાં બોલિવૂડની અનેક હસ્તીઓ જોવા મળી હતી. તેમને આ બાબતે માહિતી શેર કરવા કહેવામાં આવ્યું છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, "એનસીબીને આ મામલે મંજિંદર સિંહ સિરસા તરફથી ફરિયાદ મળી હતી અને તેને મહારાષ્ટ્ર ઝોનલ યુનિટમાં મોકલવામાં આવી હતી. આ વીડિયો સાચો છે કે ખોટો તેની પુષ્ટિ કરવા માટેની નોટિસ છે. જો કે, એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું, જોહરને એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે 2019 માં જોહરના નિવાસ સ્થાને યોજાયેલી કથિત ડ્રગ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, વિકી કૌશલ, વરૂણ ધવન, રણબીર કપૂર, મલાઈકા અરોરા સહિત ઘણા ટોચના કલાકારો હાજર રહ્યા હતા.
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ અને અન્ય બાબતોને લગતા ડ્રગના વિવિધ કેસો અંગે એનસીબીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક ફિલ્મ હસ્તીઓની પૂછપરછ કરી છે.