ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
નાના પડદાનો સૌથી લાંબો ચાલતો કૉમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોનો પ્રિય ટીવી શોમાંનો એક છે. છેલ્લાં 13 વર્ષથી SAB ટીવી પર પ્રસારિત થતો આ ફૅમિલી કૉમેડી શો તમામ વયજૂથના લોકોને હસાવે છે. આ શોની લાઇફ ટપ્પુ સેના છે, જે શરૂઆતથી જ લોકોનું મનોરંજન કરી રહી છે. આ ગ્રૂપનાં તમામ બાળકો હવે યંગ લુકમાં જોવા મળી રહ્યા છે. રાજ અનડકટ ટપ્પુ સેનાના કમાન્ડર તરીકે ટપ્પુનું પાત્ર ભજવી રહ્યો છે. આવો જાણીએ તેના વિશે :
મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, ટપ્પુનો રોલ કરી રહેલા રાજે અગાઉ ટપ્પુના મિત્રના રોલ માટે ઑડિશન આપ્યું હતું. જોકે આ રોલ માટે તેની પસંદગી થઈ શકી નહતી. રાજ એ દિવસોને યાદ કરીને કહે છે કે તેણે કાંદિવલીમાં ‘તારક મહેતા…’ના સેટ પર ઑડિશન આપ્યું હતું, પણ તે સિલેક્ટ થઈ શક્યો નહોતો. કહેવાય છે કે આ સિરિયલ રાજની માતાના ફૅવરિટ સિરિયલમાંથી એક છે. તેના રિજેક્શનથી તેની માતા ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી.
રાજ વર્ષ 2017થી ટપ્પુનું પાત્ર ભજવી રહ્યો છે, રાજ તેની એન્ટ્રી વિશે જણાવે છે કે તેને પ્રોડક્શન કંપની તરફથી ફોન આવ્યો હતો કે સિરિયલમાં નવા પાત્ર માટે ઑડિશન લેવામાં આવી રહ્યાં છે. જોકે તેને ખબર ન હતી કે ઑડિશન ટપ્પુના રોલ માટે હશે. તેનું કહેવું છે કે ફોન પર તેને કહેવામાં આવ્યું હતું કે જો તેની પસંદગી થશે તો તેને ફરીથી બોલાવવામાં આવશે. રાજ આગળ જણાવે છે કે તેણે ટપ્પુના રોલ માટે ઘણા લુક ટેસ્ટ અને મોક ટેસ્ટ આપવા પડ્યા હતા. પછી લગભગ દોઢ મહિના પછી અસિતકુમાર મોદીએ પોતે તેને ફોન કર્યો અને જાણ કરી કે રાજે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં ટપ્પુના રોલ માટે ભવ્ય ગાંધીની જગ્યા લીધી છે.
ટપ્પુનો રોલ એ સિરિયલના મહત્ત્વના પાત્રોમાંનો એક છે, જેના માટે રાજ અનડકટને તગડી ફી મળે છે. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર રાજ એક એપિસોડ માટે લગભગ 50થી 55 હજાર રૂપિયા ફી લે છે.