ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઓક્ટોબર, 2021
સોમવાર.
2 ઑક્ટોબરના રિતિક રોશન અને રણબીર કપૂર સાથે જોવા મળ્યા હતા અને એવા અહેવાલ મળ્યા હતા કે તેઓ ફિલ્મ નિર્માતા જૅકી ભગનાનીની ઑફિસ ગયા હતા. બંને સ્ટાર્સના ચાહકો આશ્ચર્યમાં હતા કે શું જૅકી ભગનાની બંને સ્ટાર્સને સાથે લઈને કોઈ ફિલ્મ બનાવી રહ્યા છે?
પરંતુ હવે સમાચાર આવ્યા છે કે બંને સ્ટાર્સ નમિત મલ્હોત્રાની ઑફિસ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ફિલ્મ 'રામાયણ'ને લઈને નમિત, મધુ મંટેના અને ડિરેક્ટર નિતેશ તિવારી સાથે બંધ બારણે એક મિટિંગ કરી છે.
મધુ મંટેના, અલ્લુ અરવિંદ અને નમિત મલ્હોત્રા ફિલ્મ 'રામાયણ'ને પ્રોડ્યુસ કરી રહ્યા છે, જેને નિતેશ તિવારી અને રવિ ઉદયવાર સંયુક્ત રીતે નિર્દેશિત કરશે. પિંકવિલાએ એક સૂત્રને ટાંકીને કહ્યું કે રિતિક રોશન અને રણબીર કપૂર સાથેની આ તેની પ્રથમ સંયુક્ત બેઠક હતી, જે આ ફિલ્મમાં રાવણ અને રામની ભૂમિકા ભજવશે. તેમણે આ પ્રોજેક્ટ વિશે વાત કરી અને આગામી વર્ષના બીજા ભાગમાં એના શૂટિંગ વિશે પણ ચર્ચા કરી. ટીમ હવે સીતાનો રોલ કરવા માટે એક અભિનેત્રીની શોધમાં છે.
ઉલ્લેખનીય છે કે એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ નિર્માતા મધુ મંટેનાએ માહિતી આપી હતી કે દિવાળીના અવસર પર ફિલ્મ ‛રામાયણ’ના કલાકારો વિશે જાહેરાત કરવામાં આવશે. જોકે હવે સમાચાર આવી રહ્યા છે કે એમાં વિલંબ થઈ શકે છે. સૂત્રે વધુમાં ઉમેર્યું કે ટીમ સંપૂર્ણ સર્જનાત્મકતા સાથે મુખ્ય પાત્રો રામ, રાવણ અને સીતા જાહેરાત કરવા માગે છે.