News Continuous Bureau | Mumbai
1990ના દાયકામાં જમ્મુ અને કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત પર ધ્યાન કેન્દ્રિત કરતી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના સ્ક્રીનિંગ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજસ્થાનના કોટામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કોટા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશ જારી કર્યો કે 22 માર્ચથી 21 એપ્રિલ સુધી જિલ્લામાં કલમ 144 લાગુ રહેશે.આદેશમાં કહેવામાં આવ્યું છે કે 22 માર્ચથી 21 એપ્રિલ સુધી ભીડ એકઠી કરવા, દેખાવો, સભાઓ અને સરઘસ પર પ્રતિબંધ રહેશે. ડી.એમ એ તેમના આદેશમાં એવું કહ્યું છે કે કોટા જિલ્લો સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી ખૂબ જ સંવેદનશીલ છે. અસામાજિક તત્વો દ્વારા ફિલ્મ ધ કાશ્મીર ફાઇલના સ્ક્રીનિંગ દરમિયાન કાયદો અને શાંતિ અને વ્યવસ્થાને અસર થઈ શકે છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લાની હદમાં ક્યાંય પણ પાંચ કે તેથી વધુ લોકો એકઠા થશે નહીં. કોઈ સંસ્થા, કે સમુદાય સભાઓ યોજી શકશે નહીં. તેઓ સરઘસ કાઢશે નહીં અને કોઈ પ્રદર્શન કરશે નહીં. સરકારી કાર્યક્રમો, પોલીસ, ચૂંટણી સંબંધિત અને કોવિડ-19 રસીકરણ કાર્યક્રમો પર આ પ્રતિબંધો લાગુ થશે નહીં.કોઇપણ વ્યક્તિ હથિયાર સાથે જાહેર સ્થળે નહીં જાય. શીખ સમુદાયના લોકોને ધાર્મિક પરંપરા અનુસાર નિર્ધારિત કિરપાન રાખવાની છૂટ આપવામાં આવશે. આ પ્રતિબંધ બોર્ડર સિક્યુરિટી ફોર્સ, પોલીસ ફોર્સ, આર્મી અને કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓને લાગુ પડશે નહીં જેમને કાયદો અને વ્યવસ્થાના સંબંધમાં તેમના હથિયાર રાખવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.કોઈપણ વ્યક્તિ અનધિકૃત વિસ્ફોટક પદાર્થો, ઘાતક રસાયણો અને અત્યંત જ્વલનશીલ પદાર્થો પોતાની સાથે નહિ રાખી શકે. લોકો સોશિયલ મીડિયા દ્વારા બિનજરૂરી હકીકતો શેર નહીં કરી શકે, જેનાથી શાંતિમાં ખલેલ પહોંચે તેવી શક્યતા છે. કોઈપણ વ્યક્તિ ડીજે અથવા લાઉડસ્પીકર દ્વારા સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા ગીતો વગાડશે નહીં. આ આદેશોનું ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ શિક્ષા કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : કાંકાણી હરણ કેસમાં સલમાન ખાનને મોટી રાહત, રાજસ્થાન હાઈકોર્ટે આપ્યો આ ચુકાદો; જાણો વિગત
આ પ્રતિબંધને લઈને ફિલ્મ ના દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીએ વિરોધ વ્યક્ત કર્યો છે. ધ કાશ્મીર ફાઈલ્સના દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીએ સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે.આ નિર્ણયને લઈને ભાજપના નેતાઓએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ આવા આદેશો અને આ કલમોથી ડરતા નથી. આ આદેશને લઈને આજથી કોટા ભાજપે સમગ્ર શહેરમાં પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.