ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
26 ડિસેમ્બર 2020
મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાએ 'લેટ મી સે ઇટ નાઉ' માં લખ્યું છે કે મુંબઈ પોલીસ અન્ડરવર્લ્ડ ડોનના એ નામથી વાકેફ હતી. જે ગુલશન કુમારને મારનાર હતો. દંતકથા સમાન ગુલશન કુમારની હત્યામાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. રાકેશ મારિયાએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે ગુલશન કુમારની હત્યાના કાવતરા અંગે મુંબઈ પોલીસ પાસે વિસ્તૃત ગુપ્ત માહિતી હતી, પરંતુ યુપી પોલીસની હાજરીથી કામગીરીને બગાડવામાં આવી. આ વાતમાં મહેશ ભટ્ટે પણ વાત કરી હોવાનું તેમણે પુસ્તકમાં જણાવ્યું છે.
રાકેશ મારિયાએ તેના નવા સંસ્મરણામાં જણાવ્યું છે કે મુંબઈ પોલીસ એક અન્ડરવર્લ્ડ ડોનનું નામ જાણતી હતી, જેની ગેંગને ગુલશન કુમારની હત્યા કરવાનું કામ સોંપાયું હતું. જો કે, ખબર હોવા છતાં તેઓ ટી-સીરીઝના સ્થાપકની હત્યા રોકી શક્યા નહોતાં.
22 એપ્રિલ 1997 ની સવારે, મારિયાનો એક ફોન આવે છે. જેમાં ખબરી ટીપ આપે છે કે , ગુલશન કુમારની વિકેટ પડવાની છે" મારિયાએ કહ્યું, "વિકેટ લેનાર કોણ છે?" બાતમીદાર બોલ્યો, 'અબુ સાલેમ, સાબ. તેણે તેના શૂટર્સ સાથે એક સબ પ્લાન બનાવ્યો છે. ગુલશન કુમાર ઘર છોડતા પહેલા દરરોજ સવારે શિવ મંદિર જાય છે. તેઓ ત્યાં કામ તમામ કરવાના છે.' અને સામે છેડેથી ફોન કપાઈ જાય છે.
રાકેશ મારિયા લખે છે કે, તેણે તુરંત જ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટને ફોન કર્યો હતો અને તેમને સવાલ કર્યો હતો કે શું તેઓ ગુલશન કુમારને ઓળખે છે.? ભૂતપૂર્વ મુંબઈ પોલીસ કમિશનરે ભટ્ટને પૂછ્યું કે શું તેઓ જાણતા હતા કે ગુલશન કુમાર દરરોજ સવારે કોઈ શિવ મંદિરની મુલાકાત લે છે.?
મારિયાએ તેના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે થોડા સમય પછી, મહેશ ભટ્ટે તેમને પાછા બોલાવ્યા અને ગુલશન કુમારના મંદિર જવાની વાતની પુષ્ટિ કરી હતી.
મારિયાએ લખ્યું, 'ત્યારબાદ મેં ભટ્ટને કહ્યું હતું કે હું ક્રાઈમ બ્રાંચને આની જાણ કરી દઈશ. પરંતુ ભટ્ટ સાબ પ્લીઝ તમે ગુલશન કુમારને ઘરની બહાર નીકળવાની ના કહી દેજો. ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચે તેની સાથે સંપર્ક સાધ્યો હતો અને તેમની સુરક્ષા માટે વ્યવસ્થા કરી હતી. મારિયા તે સમયે ડીજીપી અરવિંદ ઇનામદારના સ્ટાફ ઓફિસર તરીકે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ (લો એન્ડ ઓર્ડર, અને ક્રાઇમ) હતા.
તે પછીથી જાણી શકાયું છે કે ગુલશન કુમારને ઉત્તર પ્રદેશ પોલીસની ટુકડી દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે કારણ કે તે નોઈડામાં કેસેટ ફેક્ટરી ધરાવે છે. તેથી, મુંબઈ પોલીસે આપેલી સુરક્ષા પરત ખેંચી લેવામાં આવી હતી.