ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
03 ડિસેમ્બર 2020
ટેલીવિઝન જગતના સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા…’ માં નટુકાકાનું પાત્રભજવનાર ઘનશ્યામ નાયક હવે સ્વસ્થ છે અને ફરી સેટ પર પરત ફરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં તેમના ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ અને કેટલીક ગાંઠો કાઢવામાં આવી હતી. હવે તેમની હાલત સુધારા પર છે અને સેટ પર પાછા ફરવા માંગે છે.
76 વર્ષીય ઘનશ્યામ નાયકે જણાવ્યું હતું કે, ‘હવે હું ફીટ છુ અને મેકર્સ મને પાછો બોલાવે તેની જ રાહ જોઇ રહ્યો છું. હું શૉ અને મેમ્બર્સને ખૂબ જ યાદ કરુ છું. ટીમ મેમ્બર્સ પણ મારી આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. મારી હાલત સુધારા પર છે અને જો મેકર્સ મને પરત બોલાવી લેશે તો 7-10 દિવસની અંદર શૂટ શરૂ કરી દઇશ. હું એકદમ ચોખ્ખું બોલી શકું છું. મારા રિપોર્ટ કરાવવામાં આવ્યા છે જે તમામ રિપોર્ટ નેગેટિવ છે.’
ઘનશ્યામ નાયકે વધુમાં જણાવ્યું હતું કે, ‘ટીમ મેમ્બર્સ હાલમાં જ મારા ફોટો ક્લિક કર્યા હતા અને તેમને હું સંપૂર્ણ રીતે સ્વસ્થ લાગ્યો હતો. મારે દિલીપ જોષી એટલે કે જેઠાલાલ સાથે ફોન પર વાતચીત થાય છે. તેમણે કહ્યું હતું કે ગડા ઇલેક્ટ્રોનિક તમારી રાહ જોવે છે. બસ મને માત્ર એટલો જ ડર છે કે સિનિયર સિટીઝનના કામ માટેના નવા નિયમ પ્રમાણે મારુ કામ અટકી ન પડે.’
નોંધનીય છે કે તેમના 60 વર્ષ દરમિયાન હિન્દી ફિલ્મો, સિરીયલો અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નટુકાકા છેલ્લા 55 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેમને ખરી ઓળખ તારક મહેતામાં નટુકાકાના પાત્ર દ્વારા મળી છે. 76 વર્ષના ઘનશ્યામ નાયક મૂળ ગુજરાતી છે. તેમને અત્યાર સુધીમાં 31 ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
